૫૧ વર્ષના બિઝનેસમૅન આશિષ ગોયલે સોસાયટીએ બ્લાઇન્ડ ડૉગને લિફ્ટમાં લઈ જવાની મનાઈ કરવા સામે બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી છે.
બૉમ્બે હાઈ કોર્ટ
લોઅર પરેલમાં ગણપતરાવ કદમ માર્ગ પર આવેલી મૅરથૉન એરા હાઉસિંગ સોસાયટીમાં રહેતા ૫૧ વર્ષના બિઝનેસમૅન આશિષ ગોયલે સોસાયટીએ બ્લાઇન્ડ ડૉગને લિફ્ટમાં લઈ જવાની મનાઈ કરવા સામે બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી છે.
બિઝનેસમૅન આશિષ ગોયલ એરા હાઉસિંગ સોસાયટીમાં બાવીસમા માળે રહે છે. ૩૬ માળની એ સોસાયટીમાં ૨૨૯ ફ્લૅટ છે. આ સોસાયટીમાં ચાર ટાવર્સ છે જે એકબીજા સાથે કનેક્ટેડ હોવાની સાથે કૉમન એરિયા છે. અહીં લૉબી, લિફ્ટ્સ, પાર્કિંગ, ગાર્ડન અને જિમ આવેલાં છે. સોસાયટીમાં કુલ છ કૉમન લિફ્ટ છે જેમાંથી ૧થી ૩ નંબરની લિફ્ટ સોસાયટીના મેમ્બર્સ અને તેમના ગેસ્ટ માટે છે, જ્યારે બાકીની ત્રણ લિફ્ટ સોસાયટીના સ્ટાફ, રહેવાસીઓના કામવાળા અને સર્વિસ પૂરી પાડનારાઓ માટે રાખવામાં આવી છે.
ADVERTISEMENT
ચાર વર્ષ પહેલાં દિવાળીના સમયમાં એક માદા શ્વાને આઠ પપીને જન્મ આપ્યો હતો. એમાંથી અત્યારે ઓઝી નામનો એક જ ડૉગી બચ્યો છે જેની આંખો નબળી છે એટલે જોઈ નથી શકતો. એ નજીકના તળાવમાં પડી ગયો હતો ત્યારે તેને બચાવી લેવામાં આવ્યો હતો. આ ડૉગીની માહિતી મળ્યા બાદ બિઝનેસમૅન આશિષ ગોયલે ઓઝીને દત્તક લીધો હતો અને ઘરે લાવ્યા હતા.
હાઈ કોર્ટમાં કરવામાં આવેલી જનહિતની અરજી મુજબ ગયા વર્ષે ૧૪ જાન્યુઆરીએ આશિષ ગોયલ ડૉગી ઓઝી સાથે લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે સોસાયટીની કમિટીએ સોસાયટીના નિયમનો તેઓ ભંગ કરી રહ્યા હોવાનું કહ્યું હતું. આથી આશિષ ગોયલે ડૉગીને લિફ્ટમાં લઈ જવાનો વાંધો લેનારા મેમ્બર સામે પોલીસને નૉન-કૉગ્નિઝેબલ (NC) નોંધાવી હતી. સોસાયટીના વૉટ્સઍપ ગ્રુપમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાળેલા ડૉગીને લિફ્ટમાં લઈ જવાના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. આવો કોઈ નિયમ સોસાયટીએ બનાવ્યો નથી અને હવે કમિટી એ માનવા તૈયાર નથી એટલે આ બાબતે ન્યાય આપવાની માગણી હાઈ કોર્ટમાં કરવામાં આવી છે.

