ત્રણ જણ રૉબરીના ઇરાદાથી આવ્યા અને ઍરગનથી ફાયર કર્યું, પણ રૂપસિંહે હિંમત દાખવીને આરોપીઓને ભગાડી દીધા
દુકાનના દરવાજા પર ઊભા રહીને લૂંટારાએ પહેલાં ગન બતાવીને ગ્રાહકો અને રૂપસિંહને ધમકાવ્યા હતા. ખૂણામાં રાખેલી લાકડી ઉગામીને રૂપસિંહે લૂંટારાઓને પડકાર્યા હતા લૂંટારાઓને લાકડીથી ભગાડી રહેલા રૂપસિંહ અને તેમનો દીકરો.
કેળવે રોડ સ્ટેશન પાસે આવેલી મમતા જ્વેલર્સ પર ત્રાટકેલા ૩ સશસ્ત્ર લૂંટારાઓનો મારવાડી જ્વેલરે ગભરાયા વિના સામનો કર્યો હતો એટલું જ નહીં, માત્ર લાકડીથી તેમને દુકાનમાંથી ભગાડી દીધા હતા અને એ વખતે દુકાનમાં હાજર ગ્રાહકોનો પણ તેમણે જીવ બચાવ્યો હતો. આ આખી ઘટના જ્વેલરે બેસાડેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી. સફાળે પોલીસે આ સંદર્ભે લૂંટના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસ હાથ ધર્યા છે.
આ દિલધડક લૂંટના પ્રયાસની માહિતી આપતાં સફાળે પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર દત્તા શેળકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેળવે રોડ સ્ટેશન પાસે આવેલી મમતા જ્વેલર્સ નામની દુકાનમાં ગુરુવારે રાતે ૭.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. દુકાનના માલિક રૂપસિંહ રાજુસિંહ દસાના એ વખતે દુકાનમાં આવેલા ગ્રાહકોને દાગીના બતાવી રહ્યા હતા. રૂપસિંહ મોટા ભાગે બેન્ટેક્સના દાગીના રાખે છે જે સોના જેવા જ દેખાય છે. સોનાના દાગીના પણ રાખે છે, પણ એ બહુ ઓછા. અંદાજે ૧૦-૧૫ તોલા જેટલા જ ઓરિજિનલ સોનાના દાગીના દુકાનમાં હોય છે એવું તેમનું કહેવું છે. શોરૂમમાં બેન્ટેક્સના દાગીના જોઈને એનાથી અંજાઈને આરોપીઓએ દુકાન લૂંટવાનું નક્કી કર્યું હતું. ત્રણ આરોપીઓ ટ્રેનમાં જ કેળવે આવ્યા હતા. એમાંથી એક જણ પાસે ઍરગન હતી. તેમણે બાજુમાં આવેલી હાર્ડવેરની દુકાનમાંથી દંડૂકા ખરીદ્યા હતા અને રસ્તા પરથી પથરા ઉપાડીને લૂંટ ચલાવવા મમતા જ્વેલર્સ પહોંચ્યા હતા.’
ADVERTISEMENT
કઈ રીતે ભગાડ્યા લૂંટારાઓને?
દુકાન લૂંટવા આવેલા લૂંટારાઓને જ્વેલર રૂપસિંહ દસાનાએ કઈ રીતે ભગાડ્યા એની માહિતી આપતાં અસિસ્ટન્ટ પોલીસ-ઈન્સ્પેક્ટર દત્તા શેળકેએ કહ્યું હતું કે ‘એક લૂંટારો પહેલાં દુકાનના ગેટ પર આવ્યો હતો. એ પછી બીજો તેની પાછળ આવીને ઊભો રહ્યો હતો. પહેલા આવેલા લૂંટારાએ ધમકી આપતાં ગ્રાહકોને કહ્યું હતું કે અહીંથી બહાર નીકળી જાઓ. એટલે રૂપસિંહે તેની તરફ જોયું. એ વખતે લૂંટારાએ ગન કાઢીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો. રૂપસિંહ જાણે કાઉન્ટર પરથી દુકાનની બહાર નીકળવા માગતા હોય એ રીતે આગળ વધ્યા. રૂપસિંહે જરા પણ ડર્યા વિના આગળ વધીને દુકાનના ગેટ પાસે ખૂણામાં રાખેલી લાકડી ઉપાડી લીધી હતી અને લૂંટારાના હાથ પર મારવા ઉગામી હતી. અણધાર્યો વળતો હુમલો જોઈને એ લૂંટારો પાછળ હટ્યો અને તેણે એક રાઉન્ડ ફાયર કર્યું હતું. જોકે એમાંના બુલેટના છરા શોકેસના કાચમાં ઘૂસ્યા હતા. એ વખતે દુકાનમાં બે મહિલા ગ્રાહક સાથે ત્રણ પુરુષો અને તેમની સાથે એક નાનું બાળક હતું. એક મહિલા, બાળક અને એક પુરુષ ગભરાઈને દુકાનમાં નીચે બેસી ગયાં હતાં. રૂપસિંહે હિંમત દાખવીને લૂંટારાઓને પડકારવા તેમની પાછળ દોડવા ગયા ત્યારે એક લૂંટારાએ તેમના પર પથ્થર ફેંક્યો. એનાથી બચીને તેઓ ફરી આરોપીઓની પાછળ દોડ્યા હતા. એ દરમ્યાન દુકાનની અંદરના ભાગમાંથી રૂપસિંહનો દીકરો પણ બહાર આવી ગયો હતો એટલે લૂંટારાઓ લૂંટ પડતી મૂકીને નાસી ગયા હતા. આમ રૂપસિંહે લૂંટ થતી અટકાવી અને દુકાનમાંના ગ્રાહકોના જીવ પણ બચાવ્યા હતા.’
જોકે એ વખતે દુકાનની બહાર હોહા સંભળાતાં કેટલાક રાહદારીઓએ લૂંટારાઓને જોયા હતા, પણ કોઈએ તેમને અટકાવવાની હિંમત નહોતી કરી એમ જણાવતાં દત્તા શેળકેએ વધુમાં કહ્યું હતું કે ‘એ પછી લૂંટારાઓ દોડીને ફરી સ્ટેશને ગયા અને ટ્રેન પકડીને ભાગી ગયા હતા. અમે રેલવે પાસેથી CCTV કૅમેરાનાં ફુટેજ મગાવ્યાં છે અને એના આધારે આગળની તપાસ શરૂ કરી છે.’

