ત્રણમાંથી એક બિલાડીનો મૃતદેહ મળ્યો, એનું પોતાના ખર્ચે પોસ્ટમૉર્ટમ કરાવ્યું
બોરીવલીના જ્ઞાનનગરમાંથી ગુમ થયેલી બન્ને બિલાડીઓ
બોરીવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલા જ્ઞાનનગરમાંથી મંગળવારે ગુમ થયેલી ત્રણ બિલાડીઓને શોધવા માટે કાંદિવલીમાં રહેતી પ્રાણીપ્રેમી મનીષા દિઓરાએ આકાશ-પાતાળ એક કર્યાં છે એટલું જ નહીં, બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ પણ આ બિલાડીઓને શોધી રહી છે. જોકે બુધવારે રાતે જ્ઞાનનગરમાંથી આ ત્રણમાંની એક બિલાડી મૃત હાલતમાં મળતાં એ કઈ રીતે મરી ગઈ એ જાણવા મનીષાએ એનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે અને એનો રિપોર્ટ બે દિવસમાં આવશે.
બોરીવલી, દહિસર ઉપરાંત આસપાસનો એવો કોઈ વિસ્તાર નહીં હોય જ્યા મેં બિલાડીની શોધખોળ નથી કરી એમ જણાવતાં મનીષાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું જ્ઞાનનગરમાં રોડ પર રહેતી ૧૭ બિલાડીઓને રોજ સવાર-સાંજ ફૂડ ખવડાવતી હતી. મંગળવારે સવારે જ્યારે હું બિલાડીઓને ફૂડ ખવડાવવા ગઈ ત્યારે ચિકુ, સોનુ અને નાનુ નામની બિલાડીઓ દેખાઈ નહોતી એટલે મેં આસપાસના વિસ્તારોમાં એની શોધખોળ કરી હતી. સાંજ સુધી બિલાડી ન મળતાં મેં મારા બીજા પ્રાણીમિત્રોની મદદથી બોરીવલી, દહિસર સહિત આસપાસના વિસ્તારોમાં બિલાડીને શોધી હતી. બુધવારે પણ બધાં કામ પડતાં મૂકીને હું બિલાડીને શોધતી હતી ત્યારે જ્ઞાનનગર નજીક કચરાના ડબ્બા પાસે ચીકુ નામની બિલાડી મળી હતી, પણ એ મરી ગઈ હતી એટલે મેં તાત્કાલિક એને પરેલની ઍનિમલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી. બીજી બિલાડીઓને પણ ઈજા થઈ શકે છે એવી શંકા જતાં મેં બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’
ADVERTISEMENT
બિલાડીને લઈ જનારને શોધવા માટે અમે નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા છીએ એમ જણાવતાં બોરીવલીના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે અમે ઍનિમલ ઍક્ટ અનુસાર ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બિલાડીને લઈ જનારને શોધવા માટે અમારી પૅટ્રોલિંગ વૅન સહિત ડિટેક્શનના અધિકારીઓ કામે લાગ્યા છે.’