કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે શું તમે દસમાના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પ્રમોટ કરવા માગો છો? જો એવું હોય તો પછી ભગવાન જ આ રાજ્યની એજ્યુકેશન સિસ્ટમ બચાવી શકશે
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ
રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ બોર્ડની એસએસસીની એક્ઝામ રદ કરવાના નિર્ણય પર ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે નારાજગી દર્શાવી હતી અને સરકારને ખડા બોલ સુણાવ્યા હતા. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એસ. જે. કાથાવાલા અને જસ્ટિસ એસ. પી. તાવડેની બેન્ચે કહ્યું હતું કે જો રાજ્ય સરકાર ૧૨મા ધોરણના ૧૪ લાખ વિદ્યાર્થીઓની એક્ઝામ લઈ શકતી હોય તો ૧૬ લાખ વિદ્યાર્થીઓની એસએસસીની એક્ઝામ કેમ રદ કરી? આ ભેદભાવ કેમ?
કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે એપ્રિલ મહિનામાં એસએસસી બોર્ડની એક્ઝામ રદ કરી હતી. સરકારના એ નિર્ણયને પડકારતી અરજી પુણેના પ્રોફેસર ધનંજય કુલકર્ણીએ કરી હતી. એ અરજીની ગઈ કાલે થયેલી સુનાવણી વખતે કોર્ટે કહ્યું હતું કે સીબીએસસી અને આઇસીએસઈ બોર્ડે તેમના દસમાના વિદ્યાર્થીઓનું પરિણામ કઈ રીતે જાહેર કરવું એ માટે એકથી નવ ધોરણ સુધીનો પ્રોગ્રેસ અને દસમા ધોરણના ઇન્ટરનલ માર્કના આધારે પરિણામ જાહેર કરવાનું ઠેરવ્યું છે. તમે એ બાબતે શું નક્કી કર્યું? માત્ર એક્ઝામ કૅન્સલ કરીને બેઠા રહ્યા?
વિદ્યાર્થીઓનો કંઈ વિચાર ન કર્યો?
ADVERTISEMENT
ન્યાયમૂર્તિએ વધુમાં કહ્યું હતું કે ‘આ બધું પૉલિસી બનાવનારની મનમાની પર ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર કોરોનાની માહમારીને કારણે દસમા ધોરણના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન કરી શકે. તમે એજ્યુકેશન સિસ્ટમને મજાક બનાવી દીધી છે. શું તમે વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર જ પ્રમોટ કરવા માગો છો? જો એવું હોય તો હવે ભગવાન જ આ રાજ્યની એજ્યુકેશન સિસ્ટમ બચાવી શકશે. સ્કૂલિંગનું આ છેલ્લું વર્ષ હોય છે. દસમું ધોરણ બહુ જ મહત્ત્વનું હોય છે અને એથી એની એક્ઝામ પણ એટલી જ મહત્ત્વની હોય છે.’
વિદ્યાર્થીઓ જે દેશનું અને રાજ્યનું ભવિષ્ય છે, તેમને આમ પરીક્ષા આપ્યા વગર એક પછી એક વર્ષ પ્રમોટ ન કરી શકાય અમને એની જ ચિંતા છે. મલ્ટિપલ ચૉઇસની ઑનલાઇન એક્ઝામમાં જે વિદ્યાર્થીને સામાન્ય રીતે ૪૦ ટકા આવતા હોય છે તેને પણ ૯૦ ટકા આવતા હોય છે, એથી તેમની ગુણવત્તાની ચકાસણી માટે એ બરાબર નથી.
કોર્ટે આ સંદર્ભે રાજ્ય સરકારને દસમાની પરીક્ષા ન લેવાના નિર્ણયને કેમ ફેરવી તોળી ન શકાય એ માટેનો જવાબ ઍફિડેવિટ દ્વારા નોંધાવવા કહ્યું છે.

