ટ્રૉમ્બે જેટી પર રવિવારે સવારે પ્લાસ્ટિકની થેલીમાંથી એક બાળકીની ડેડ-બૉડી મળી આવી હતી. ટ્રૉમ્બે પોલીસે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે
પ્રતીકાત્મક તસવીર
ટ્રૉમ્બે જેટી પર રવિવારે સવારે પ્લાસ્ટિકની થેલીમાંથી એક બાળકીની ડેડ-બૉડી મળી આવી હતી. ટ્રૉમ્બે પોલીસે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જેટી પર રહેલા માછીમારોને પ્લાસ્ટિકની થેલીની બહાર બાળકીનું મોઢું પાણીમાં તરતું દેખાઈ આવતાં પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ બાળકી છ મહિનાની હોવાની માહિતી પોલીસને મળી છે. તેને મારી નાખીને પ્લાસ્ટિકની થેલીમાં ફેંકવામાં આવી હોય એવા પ્રાથમિક અંદાજ સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.
ખૂબ જ ખરાબ રીતે બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં નાખીને પાણીમાં ફેંકવામાં આવી હતી એમ જણાવતાં ટ્રૉમ્બે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ગંગારામ વાલવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સવારે આઠ વાગ્યાની આસપાસ જેટી પર માછીમારીને પાણીમાં તરતી એક બાળકીની બૉડી દેખાઈ હતી. તેમણે આ ઘટનાની જાણ અમને કરતાં અમારા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાર બાદ માછીમારોની મદદથી એ બૉડીને બહાર કાઢવામાં આવી હતી. કોઈને ખબર ન પડે એ માટે પ્લાસ્ટિકની થેલીમાં બાળકીની બૉડીને બાંધવામાં આવી હતી. જોકે પાણીમાં ફેંકતી વખતે થેલી ફાટી જવાથી બાળકીનું માથું બહાર આવી ગયું હશે એવું લાગી રહ્યું હતું. ત્યાર બાદ તેને તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કરતાં તેનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. એનો રિપોર્ટ હજી સુધી અમારી પાસે આવ્યો નથી. જોકે એવો પ્રાથમિક અંદાજ છે કે તેને મારીને ફેંકવામાં આવી હશે. અજાણી વ્યક્તિ સામે અમે ફરિયાદ નોંધીને આ સંદર્ભે વધુ તપાસ શરૂ કરી છે.’