ફેરી અસોસિએશને મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટને ફરિયાદ કરીને કહ્યું છે કે સ્પીડબોટ પસાર થાય ત્યારે દરિયામાં મોટાં મોજાં ઊછળે છે જે અમારી ફેરી અને પ્રવાસીઓ માટે જોખમી છે
સ્પીડબોટ
સ્પીડબોટ એના નામ પ્રમાણે બહુ જ સ્પીડમાં મૂવ થતી હોવાથી એ પસાર થાય ત્યારે એની પાછળ બહુ મોટાં મોજાં ઊછળે છે જે અમારી ફેરી અને તેના સહેલાણીઓ માટે જોખમી હોય છે એવી ફરિયાદ હવે ફેરી અસોસિએશને મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટને કરી છે.
સ્પીડબોટના ડ્રાઇવર અમારી ફેરીથી દૂર રહે અને તેમને અલગ ફાળવવામાં આવેલી જેટીનો જ ઉપયોગ કરે એ બધાના હિતમાં હોવાનું અસોસિએશનનું કહેવું છે.
ADVERTISEMENT
ગયા સોમવારે નેવીની સ્પીડબોટ નીલકમલ નામની બોટ સાથે જોશભેર અથડાતાં થયેલી દુર્ઘટનામાં નીલકમલ ઊંધી વળી ગઈ હતી અને ૧૫ જણનાં એ દુર્ઘટનામાં મોત થયાં હતાં. એ દુર્ઘટના બાદ હવે ગેટવે ઑફ ઇન્ડિયા એલિફન્ટા જલ વાહતૂક સહકારી સંસ્થાએ તેમને પડતી મુશ્કેલીઓ બાબતે મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટને પત્ર લખી રજૂઆત કરી છે.
અસોસિએશનનું કહેવું છે કે સહેલાણીઓને લઈ જવા-લાવવા માટે કુલ ૯૨ ફેરી અહીં લાંગરેલી રહે છે જેમાંથી ૮૮ બોટ અમારા અસોસિએશનની મેમ્બર છે, જ્યારે બાકીની નીલકમલની છે. અમારી ફેરી માટે ૧થી ૪ નંબરની જેટી ફાળવવામાં આવી છે જ્યારે પ્રાઇવેટ સ્પીડબોટ માટે તાજની સામે જેટી નંબર પાંચ ફાળવવામાં આવી છે. જોકે ઘણી વાર સ્પીડબોટ અમારી જેટી પર લાંગરવામાં આવે છે. હવે બને છે એવું કે સ્પીડબોટ આવે અને જાય ત્યારે એની સ્પીડને કારણે એની પાછળ બહુ જ જોરમાં મોજાં ઊછળતાં હોય છે જેના કારણે એ વખતે ફેરી હૅન્ડલ કરવી કપરી બની જાય છે માટે તેમને એમ કરતા રોકવા જોઈએ.
૨૦૨૩માં એવી જ એક ઘટના બની હતી. ગેટવે ઑફ ઇન્ડિયા અને એલિફન્ટાની વચ્ચે નેવીની સ્પીડબોટે ફેરી ‘નિઝામી’ને ટક્કર મારી હતી જેમાં ફેરીને નુકસાન થયું હતું, પણ કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈ ઘાયલ થયું નહોતું. આ બાબતે મૅરિટાઇમ બોર્ડનું કહેવું છે કે હાલ કોઈ સેફ્ટીનો ઇશ્યુ નથી, જે ઇશ્યુ છે એ ફેરી અને સ્પીડબોટને છોડવાના અને એને લાંગરવા બદલ છે. અમે ટૂંક સમયમાં મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને ફેરી અસોસિએશન સાથે બેસી એ સમસ્યાનો નિવેડો લાવીશું.