ભાઇંદરના બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યા બાદ સુધરાઈએ ગણતરીની મિનિટોમાં રહેવાસીઓને રોકડ અને સોના-ચાંદીના દાગીના લેવાની પરવાનગી આપી હતી, પણ એક ગુજરાતી તો કબાટ ન ખૂલતાં કંઈ ન લઈ શક્યા. બીજા પણ લોકોએ કીમતી સામાન ઘર સાથે જતો રહ્યો હોવાની કરી ફરિયાદ
ભાઈંદરની બિલ્ડિંગનો ભાગ ધસી પડ્યા બાદ તેને જમીનદોસ્ત કરવામાં આવી હતી.
ભાઈંદર-વેસ્ટમાં મહેશનગરમાં આવેલી ચાર માળાની શિવમ સોસાયટી (મહેશનગર નંબર-૨)નો અમુક ભાગ મંગળવારે સવારે તોફાનના પવનને કારણે ધસી પડ્યો હતો. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ બિલ્ડિંગ અતિ જોખમી થઈ હોવાથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા તેને તાત્કાલિક ડિમોલિશ કરાતાં બિલ્ડિંગના ૪૦ પરિવારજનો બેઘર થયા હતા અને ૧૦ દુકાનદારોએ દુકાન ગુમાવવી પડી હતી.
લૉકડાઉન પહેલાં ડાયમંડની દલાલીનું કામકાજ કરતા પણ અત્યારે રસ્તા પર બાંકડો નાખીને ખાખરા, ફરસાણ વેચતા બીજા માળના રહેવાસી અલ્પેશ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પરિસ્થિતિ અમારી મજાક ઉડાડી રહી હોય એવું લાગે છે. દુર્ઘટના બાદ ઘરના એક સભ્યને જેમ-તેમ એક વખત ઉપર મોકલીને સામાન લાવવા કહ્યું હતું. હું ઉપર ગયો ત્યારે મારા કબાટની ચાવી લાગી જ રહી નહોતી અને કબાટનું હૅન્ડલ તોડી નાખ્યું પરંતુ કબાટ ખૂલ્યું જ નહીં. કબાટમાં કપડાં સાથે સારી ક્વૉલિટીના ડાયમંડ અને બે લાખ રૂપિયા સુધીનું કૅશ પણ હતું. ચાંદી-સોનાની અમુક વસ્તુઓ પણ હતી એમ આશરે પાંચ લાખ રૂપિયાની વસ્તુઓ અંદર છે. ઘરની અંદરનો મોટો સામાન અમને લેવા ન દીધો અને બિલ્ડિંગ તોડી પાડતાં બધો સામાન જતો રહ્યો છે. કબાટ ક્યાં જતો રહ્યો એ શોધવા અમે બિલ્ડિંગની આસપાસ ફરી રહ્યા છીએ. અમે બે દિવસથી એક જ કપડાંમાં ફરી રહ્યા છીએ. અમે મારા પરિવાર સાથે ભાઈના ઘરે રહેવા ગયા છીએ. હવે ક્યાં જઈશું, શું કરીશું કંઈ જ ખબર નથી.’
ADVERTISEMENT
ઘર સાથે અમારો સામાન પણ જતો રહ્યો છે એમ કહેતાં બિલ્ડિંગના બીજા એક રહેવાસી ગૌરવ કંસારાનું કહેવું છે કે ‘જાન બચી ગઈ છે તો સામાન પણ મળી જશે. ફાયર બ્રિગેડ, પોલીસ પ્રશાસનને એમનું કામ કરવા દો એવું કહીને અમને દૂર કરાયા અને અમે સામાન મળશે એ રાહમાં હતા ત્યારે બીજી બાજુ બિલ્ડિંગને તો જમીનદોસ્ત પણ કરી દેવાઈ હતી. બિલ્ડિંગ તોડવા પહેલાં કોઈ ઉપાયયોજના કરવાની જરૂર હતી અથવા તો કોઈ માર્ગ કાઢવો જોઈતો હતો જેથી લોકો ઘરનો સામાન, ટીવી, ફ્રિજ કે અન્ય વસ્તુઓને લઈ શકે. મધ્યમ વર્ગના લોકો માટે આવી વસ્તુઓ સોનાની જેમ મહત્ત્વની હોય છે.’
એક મહિના પહેલાં જ નવું ફ્રિજ લીધું હતું એમ કહેતાં હરેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ઇમિટેશનના કમિશનનું કામકાજ કરું છું. દોઢ વર્ષથી ઘરે બેઠો છું અને મારી દીકરીની પણ નોકરી જતી રહેતાં તેને બે મહિના પહેલાં જ નવી નોકરી મળી હતી. ઘરમાં ફ્રિજ ન હોવાથી દીકરીએ હરખના મારે પહેલો પગાર આવતાં જ નવું ફ્રિજ લીધું હતું. મારી દીકરી કામ પર જવા નીકળી અને ઘરની બહાર પગ મૂક્યો ત્યારે આગળનો ભાગ ધસી પડ્યો અને ભગવાને તેને બચાવી લીધી હતી. આજે તે જ મારું ઘર ચલાવી રહી છે. નવું ફ્રિજ પણ જતું રહ્યું હોવાથી તે ખૂબ નારાજ થઈ ગઈ છે.’
વર્ધમાન સંસ્કારધામ આવ્યું મદદે
ભાઈંદરનું આ બિલ્ડિંગ જમીનદોસ્ત થતાં તેમાં રહેતા રહેવાસીઓ બેઘર થયા હતા. બિલ્ડિંગમાં અનેક પરિવારો ખૂબ મધ્યમ વર્ગના છે. કોરોના મહામારીમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈને બિલ્ડિંગના ૪૦ પરિવારની સહાયે વર્ધમાન સંસ્કારધામ-ભાઈંદર નામની સંસ્થા આગળ આવી છે. વર્ધમાન સંસ્કારધામ-ભાઈંદરના નીલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાકાળમાં બિલ્ડિંગના રહેવાસીઓ ઘર વગરના થઈ ગયા છે. લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે, એવામાં ઘર અને ઘરવખરી જતી રહેતા તેમના માટે સમસ્યા ઊભી થઈ છે. એથી બિલ્ડિંગના ૮ પરિવારોને ૫૦૦૦ રોકડા, છ મહિનાનું ભાડું અને અનાજની કિટ આપીશું, એ સાથે ઘરવખરી જેમ કે કૂકર, ગાદલા જેવી વસ્તુ પણ આપીશું કારણ કે હાલમાં તેમની પાસે કોઈ વસ્તુ નથી. જ્યારે અન્ય રહેવાસીઓને અનાજની કિટ, ૫૦૦૦ રૂપિયા અને જોઈતી દરેક સહાય કરવાની તૈયારી અમે કરી છે.’
સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી
આ બિલ્ડિંગના રહેવાસીઓને દુર્ઘટના બાદ ભાઈંદર-વેસ્ટની સેકન્ડરી સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરાઈ આપી હતી, પરંતુ અહીં સ્કૂલનો એક ક્લાસરૂમ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો પરંતુ અન્ય કોઈ વ્યવસ્થા નહોતી તેમ જ ત્યાંથી ગંદી દુર્ગંધ પણ આવી રહી હોવાથી અહીં કેવી રીતે રહેવું એવો પ્રશ્ન બિલ્ડિંગના અમુક રહેવાસીઓએ ઊભો કર્યો હતો.
જીવ જોખમમાં નાખીને સામાન લીધો
લોકો દ્વારા કરેલા આરોપ વિશે પૂછતાં સ્થાનિક ધારાસભ્ય ગીતા જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તોફાન વખતે પવનનું પ્રમાણ એટલું બધું હતું કે બિલ્ડિંગનો ભાગ પડ્યો હતો. બિલ્ડિંગની હાલત એટલી જોખમી હતી કે કોઈ પણ ક્ષણે પડી શકે એમ હતી. દુર્ઘટના બાદ ઘરની એક વ્યક્તિને ઘરમાં મોકલીને મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ, રોકડ રકમ કે પછી સોનું જેવી વસ્તુ લઈ આવવા મોકલ્યા હતા, પરંતુ લોકો એ બધી વસ્તુઓ સાથે પંખા ખોલવા બેઠા, એક મહિલા તો ચાદરમાં ટીવી લઈને આવી હતી. અમે તેમને સમજાવ્યું કે બિલ્ડિંગની આસપાસ ઊભું રહેવું પણ જોખમી છે. મોટો સામાન જેમ કે ફ્રિજ, ટીવી જેવી વસ્તુઓ નીચે લાવવી શક્ય ન હોવાથી રહેવાસીઓને સરળતાથી નીચે લાવી શકાય એવી વસ્તુઓ લાવવા કહ્યું હતું, સામાન લેવા જતી વખતે કોઈ બનાવ બને તો એના જવાબદાર કોણ? એથી બિલ્ડિંગના જોખમને ધ્યાનમાં લઈને પ્રશાસને તાત્કાલિક તેના પર ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. રહેવાસીઓને હાલમાં પ્રશાસનની સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે. અન્ય જગ્યાએ કોવિડ કૅર સેન્ટર ચાલુ હોવાથી ત્યાં મોકલી શકાય એમ નથી પરંતુ તેમના રહેવાની વ્યવસ્થા વિશે કંઈ કરાશે. જોકે બિલ્ડિંગના ૮૦ ટકા રહેવાસીઓ ભાડૂત છે એથી એ બધી વાતને ધ્યાનમાં રાખવી પડશે.’
મહાનગરપાલિકાનું શું કહેવું છે?
આ વિશે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડૉ. સંભાજી પાનપટ્ટેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ બિલ્ડિંગ જોખમી હોવાથી તેને ત્રણેક વખત નોટિસ પણ ફટકારવામાં આવી હતી. દુર્ઘટના બાદ ભારે વરસાદ અને પવનને કારણે કોઈ બનાવ બની શકે એમ હોવાથી અને બિલ્ડિંગની હાલત એકદમ જોખમી હોવાથી તેને તાત્કાલિક જમીનદોસ્ત કરાઈ હતી. સમય રહેતા બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્રશાસને બિલ્ડિંગ તોડવા પહેલાં રહેવાસીઓને તેમનો સામાન લેવા મંજૂરી આપી હતી. જોકે દુર્ઘટના બાદ એવી પરિસ્થિતિ નહોતી કે લોકો તેમનો મોટો સામાન નીચે ઉતારી શકે. જેને જરૂર છે એ રહેવાસીઓને સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે.’
મહેશનગર-૨ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી કરતી વખતે ૧૫ ફુટ અંતરે આવેલી મહેશનગર-૩ની બાલ્કનીનો ભાગ પણ તૂટી ગયો હતો.
હું ઉપર ગયો ત્યારે મારા કબાટની ચાવી લાગી જ રહી નહોતી અને કબાટનું હૅન્ડલ તોડી નાખ્યું પરંતુ કબાટ ખૂલ્યું જ નહીં. કબાટમાં કપડાં સાથે સારી ક્વૉલિટીના ડાયમંડ અને બે લાખ રૂપિયા સુધીની કૅશ પણ હતી.
અલ્પેશ શાહ, રહેવાસી

