Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભુલેશ્વરના 150 વર્ષ જૂના કબૂતરખાનાના નૂતનીકરણના નામે જામ્યો છે જોરદાર કકળાટ

ભુલેશ્વરના 150 વર્ષ જૂના કબૂતરખાનાના નૂતનીકરણના નામે જામ્યો છે જોરદાર કકળાટ

Published : 16 March, 2021 12:54 PM | IST | Mumbai
Pratik Ghogare

એક સંસ્થાએ પરવાનગી વગર કામ શરૂ કરી દેતાં સુધરાઈએ ફરિયાદના આધારે એને તોડી પાડ્યું. સ્થાનિક લોકોનો કબૂતરખાનાને પાણીની પરબમાં પરિવર્તિત કરવાનો આરોપ

ભુલેશ્વરના આ કબૂતરખાનાને કારણે વિવાદ થયો છે.

ભુલેશ્વરના આ કબૂતરખાનાને કારણે વિવાદ થયો છે.


સાઉથ મુંબઈના પ્રસિદ્ધ ભુલેશ્વરમાં ઐતિહાસિક રામમંદિરની સામે આવેલા દોઢસો વર્ષ જૂના કબૂતરખાનાને કથિત રીતે ધ્વસ્ત કરીને એને ગેરકાયદે રીતે પાણીની પરબમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. એને પરિણામે આ પરિસરની આસપાસનાં દસ પ્રાચીન મંદિરોમાં દર્શનાર્થે આવતા વિવિધ સમુદાયના ભક્તો અને જીવદયાપ્રેમીઓની કરુણા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતાં આ મામલે ભુલેશ્વરના રહેવાસીઓમાં વિવાદ સર્જાયો છે. આ બાબતની મહાનગરપાલિકા અને પોલીસમાં નાગદેવીના ટૂલ્સના વેપારી અને પશુ-પ્રાણીપ્રેમી સંદીપ શાહની બિનસરકારી સંસ્થા રેશ્મો જીવદયા તરફથી ફરિયાદ કરવામાં આવી છે.


રેશ્મો જીવદયાના સંચાલક સંદીપ શાહે આ આખા મામલા બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક મહિના પહેલાં કબૂતરખાનાના નૂતનીકરણના નામે એની તોડફોડ કરવામાં આવી હતી. તપાસ કરતાં ખબર પડી કે આ કબૂતરખાનાને પાણીની પરબમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. મુંબઈમાં અત્યારે ફક્ત ત્રણ જ કબૂતરખાનાં કાર્યરત છે - ફોર્ટ, દાદર અને ભુલેશ્વર. સદીઓ પહેલાં આપણા વડીલોએ જીવદયા અને પશુપ્રેમના ઉદ્દેશથી મુંબઈમાં ગૌશાળાઓ અને કબૂતરખાનાંઓ ઊભાં કર્યાં હતાં. તેઓ દીર્ઘદૃષ્ટિ ધરાવતા હતા. આજે આ ત્રણેય કબૂતરખાનાં હેરિટેજ હોવા છતાં મહાનગરપાલિકા એના પર પૂરતું ધ્યાન આપતી નથી. દુખની વાત એ છે કે અમુક સંસ્થાઓ આ કબૂતરખાનાંને બંધ કરવા માટે મિશન ચલાવી રહી છે જેને અમુક રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ પોતાના રાજકીય સ્વાર્થ માટે સહયોગ આપી રહ્યા છે. ભુલેશ્વરના કબૂતરખાનાને નૂતનીકરણના નામે બંધ કરીને તોડફોડ કરવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓ, સાધુ-સંતો, જૈન સમાજ, પ્રાણીપ્રેમીઓ અને જીવદયાપ્રેમીઓની લાગણી દુભાઈ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પરિવર્તનની મહાનગરપાલિકા તરફથી કોઈ જ પરવાનગી આપવામાં આવી નથી.’



મહાનગરપાલિકાની પરવાનગી ન હોવાથી એના અતિક્રમણ વિભાગે પાણીની પરબના નામે ઊભી થઈ રહેલી ઇમારતને દસ દિવસ પહેલાં ધરાશાયી કરી નાખી હતી એમ જણાવીને સંદીપ શાહે કહ્યું હતું કે ‘જોકે ત્યાર પછી ત્યાંથી કાટમાળ ખસેડવાની દસ દિવસ થયા છતાં મહાનગરપાલિકાએ કાળજી લીધી નથી. એને પરિણામે કબૂતરપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. કાટમાળને લીધે કબૂતરને રોજ ચણ નાખવા આવતા લોકો માટે ચણ ક્યાં નાખવી એ એક સમસ્યા સર્જાઈ છે. આથી મારી સંસ્થા તરફથી મહાનગરપાલિકા અને એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ કરવામાં આવી છે.’


આ વિવાદસ્પદ બાંધકામ બાબતમાં સ્પષ્ટતા કરતાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નગરસેવક આકાશ રાજ પુરોહિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કબૂતરખાનાને બદલે પાણીની પરબ બની રહી છે એ પ્રચાર તથ્યવિહોણો છે. મુંબઈની એક બિનસરકારી સંસ્થા (જેનું નામ તેમણે આપ્યું નહોતું) દ્વારા નવેમ્બર મહિનામાં જ ભુલશ્વરના પ્રાચીન કબૂતરખાનાને નવો ઓપ આપવા માટે મહાનગરપાલિકામાં અરજી આપવામાં આવી હતી. જોકે મહાનગરપાલિકામાં આ અરજીના પેપરો ખોવાઈ ગયા હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે. ત્યાર પછી સંસ્થાએ એક મહિના પહેલાં કબૂતરખાના સાથે કબૂતરો માટે પાણીની પરબ બનાવવા માટે બાંધકામની શરૂઆત કરી હતી.’

આ પરબ બાબતમાં કોઈ વિવાદ નથી એમ કહીને વધુ માહિતી આપતાં આકાશ પુરોહિતે કહ્યું હતું કે ‘પરબ કબૂતરખાનાની બાજુમાં જ હતી જેને ફરીથી રીસ્ટોર કરી રહ્યા હતા. એની સાથે એકાદ માણસની રહેવાની-જમવાની વ્યવસ્થા પણ કરવાના હતા. જોકે કોઈ ભૂતપૂર્વ નગરસેવકે આ મુદ્દે ફરિયાદ કરતાં મહાનગરપાલિકાએ તોડફોડ કરી હતી. આ બાંધકામ પહેલાં સ્થાનિક નગરસેવક તરીકે મારા હાથે જ શ્રીફળ વધેરીને શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. એક સારું કાર્ય હોવાથી મેં એમાં પૂરતો સાથ-સહકાર આપ્યો હતો.’


જોકે કોઈ આરટીઆઇ ઍક્ટિવિસ્ટ અને સંસ્થા દ્વારા મહાનગરપાલિકામાં આ બાબતમાં ફરિયાદ કરવામાં આવી હતી એમ જણાવીને આકાશ પુરોહિતે કહ્યું હતું કે ‘એક સદ્કાર્ય માટે થઈ રહેલા બાંધકામની સામે ખોટો વિરોધ કરવા છતાં મહાનગરપાલિકાએ બાંધકામ પર કાર્યવાહી કરી હતી જેનો એ સમયે મેં સખત વિરોધ કર્યો હતો. આ સંસ્થા તરફથી ગઈ કાલે ફરીથી પરવાનગી માગવા માટે અરજી કરવામાં આવી હતી. આજે ભુલેશ્વરમાં અનેક ગેરકાયદે બાંધકામો છે જેની સામે મહાનગરપાલિકા હાથ જોડીને બેસી રહી છે અને કોઈ ઍક્શન લેતી નથી, જ્યારે એક સદ્કાર્ય સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે એનાથી દિલ દુભાઈ રહ્યું છે.’

પ્રસિદ્ધિ મેળવવા નૂતનીકરણનો આક્ષેપ
રાજ પુરોહિત પરિવારના વડીલોની તકતી લગાડીને પ્રસિદ્ધિ મેળવવા માટે આકાશ પુરોહિત જ કબૂતરખાનાનું નૂતનીકરણ કરાવી રહ્યા હોવાના આરોપના સંદર્ભમાં આકાશ પુરોહિતે ઇનકાર કરતાં કહ્યું હતું કે અમારા પરિવારે પ્રસિદ્ધિ માટે આવું કંઈ કરવાની જરૂર નથી.

અમે કોઈ પરવાનગી નથી આપી એલી ચક્રપાણી
‘સી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર
ભુલેશ્વરના કબૂતરખાનાના નૂતનીકરણ સંબંધી અમારા તરફથી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. અમારી પાસે સ્થાનિક રહેવાસીઓની અને અમુક સંસ્થાઓની ફરિયાદ આવ્યા બાદ અમે નૂતનીકરણ રોકાવી દીધું હતું અને બની ગયેલા સ્ટ્રક્ચરને તોડી પાડ્યું હતું. આ બાબતમાં પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2021 12:54 PM IST | Mumbai | Pratik Ghogare

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK