બાંદરા સ્ટેશન પરનો મિડલ ફુટઓવર બ્રિજ ૭ મહિના બંધ
મહિનાઓની હાલાકી: બાંદરાના મિડલ બ્રિજ પર એક તરફનો દાદરો બંધ કરી દેવામાં આવતાં બીજી તરફના દાદરા પર રવિવારે પણ લોકોનો ભારે ધસારો થયો હતો. તસવીરો : નિમેશ દવે
બાંદરા રેલવે-સ્ટેશન પર મિડલમાં આવેલા ફુટઓવર બ્રિજને શનિવાર રાતથી બંધ કરી દેવામાં આવતાં ગઈ કાલે અન્ય બ્રિજ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. સેંકડોની સંખ્યામાં મુસાફરોને મુશ્કેલીનો સામનો થયો હતો. ઘણા મુસાફરોએ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને પોલીસને આ વિશે ફરિયાદ કરી હતી. જોકે આગામી સાત મહિના સુધી આ ફુટઓવર બ્રિજનું કામ ચાલુ રહેવાનું હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે.
બાંદરા રેલવે-સ્ટેશન પર મિડલમાં આવેલા ફુટઓવર બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હોવાથી ગઈ કાલે બ્રિજ બંધ હતો. રજાનો દિવસ હોવા છતાં આ બ્રિજ બંધ હોવાને કારણે બીજા બ્રિજ પર ભારે ભીડ થઈ હતી. તેથી સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રજાને દિવસે આટલો ધસારો થયો તો ચાલુ દિવસમાં કેટલી હાલાકી થશે એનો અંદાજ આવી શકે છે.
ADVERTISEMENT
સમારકામ બાદ નવો બ્રિજ ઑગસ્ટમાં ખુલ્લો મુકાશે એમ જણાવતાં રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર રવીન્દ્ર ભાકરે કહ્યું હતું કે બ્રિજ જૂનો થઈ ગયો હોવાથી એને તોડી પાડવામાં આવશે અને એના સ્થાને નવો બ્રિજ બાંધવામાં આવશે જેનું કામ ઑગસ્ટ સુધીમાં પૂરી થવાની શક્યતા છે.