અર્નબ ગોસ્વામી પ્રકરણ: વિધાનસભામાં ગૃહપ્રધાન સામે હકભંગની નોટિસ
અર્નબ ગોસ્વામી
અર્નબ ગોસ્વામી પર જેનો આરોપ છે એ અન્વય નાઈક પ્રકરણને રફેદફે કરવાનો પ્રયાસ દેવેન્દ્ર ફડણવીસે કર્યો હોવાનો વિધાનસભામાં આક્ષેપ કરનારા ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે હકભંગની નોટિસ આપી હતી. આ સિવાય મરાઠા આરક્ષણ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરનારા અશોક ચવાણ સામે પણ આવી નોટિસ આપી હતી. વિધાનભવન ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ગૃહપ્રધાન અનિલ દેશમુખે અન્વય નાઈક પ્રકરણ બાબતે ગઈ કાલે વિધાનસભામાં કેટલાક આરોપ મૂક્યા હતા. આ મામલામાં સુપ્રીમ કોર્ટે પોતાનો મત વ્યક્ત કર્યો છે. આથી તેમણે આવો આરોપ મૂકીને સુપ્રીમ કોર્ટનું અપમાન કર્યું છે. પહેલી દૃષ્ટિએ આ મામલામાં અન્વયને આત્મહત્યા કરવા માટે મજબૂર કરાયો હોવાનું જણાતું નથી એવો અભિપ્રાય સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. આથી આ મામલાને રફેદફે કરવાનો સવાલ જ પેદા નથી થતો. આ વિશે તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તેઓ વારંવાર આવું જ બોલતા રહ્યા. આમ કરીને તેમણે મને બોલતો રોકીને વિશેષાધિકાર ભંગ કર્યો છે. તેમના પર હકભંગની કાર્યવાહી કરવાની માગણી મેં સભાગૃહમાં કરી છે.’
આ સિવાય મરાઠા આરક્ષણ પર અશોક ચવાણે લોકોની દિશાભૂલ કરનારું નિવેદન આપ્યું હોવાનું જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અશોક ચવાણ કાયમ કેન્દ્ર સરકાર પર આરોપ મૂકીને પોતાની જવાબદારીમાંથી છૂટવાનો પ્રયાસ કરે છે. હાઈ કોર્ટે આ બાબતે બે પેજ લખીને સ્પષ્ટતા કરી છે.’

