શનિવારે મહારાષ્ટ્રના મુંબઈ એરપોર્ટની બહાર 20 રખડતા કૂતરાઓને તેમના ઓળખ કાર્ડ એટલે જ કે આધાર કાર્ડ આપવામાં આવ્યા હતા.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શનિવારે મહારાષ્ટ્રના મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)ની બહાર 20 રખડતા કૂતરાઓને તેમના ઓળખ કાર્ડ એટલે જ કે આધાર કાર્ડ (Aadhar) આપવામાં આવ્યા હતા. કૂતરાઓના ગળામાં `આધાર કાર્ડ` લટકતા જોવા મળ્યા હતા.
આ આધારકાર્ડમાં એક QR કોડ ફિટ કરવામાં આવ્યો છે. જે જ્યારે સ્કેન કરવામાં આવે છે ત્યારે જે તે કૂતરાની સંપૂર્ણ માહિતી મળી આવે છે. આ માહિતીમાં કુતરાનું નામ, રસીકરણ, નસબંધી અને તબીબી નગેટ્સ સાથે ફીડરની સંપર્ક વિગતો મેળવી શકાય છે.
ADVERTISEMENT
TOIના અહેવાલ મુજબ એક ટીમે ખૂબ જ ઉત્સાહ વચ્ચે કુતરાઓને ઓળખ કાર્ડ આપ્યા હતા. જે વ્યક્તિ નિયમિત રીતે કૂતરાઓને ખવડાવતો હતો તે તેમને લલચાવતો હતો, પરંતુ અન્ય લોકોને પોતાની તરફ આવતા જોઈને કૂતરાઓ સાવચેત થઈ જતાં હતા. થોડા કલાકો નિરીક્ષણ કર્યા પછી એક ટીમ દ્વારા 20 કૂતરાઓને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, સહારના ટર્મિનલ 1ની બહાર કૂતરાઓને રસી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલનું નામ `pawfriend.in` છે. આ પહેલ દ્વારા કૂતરાઓ માટે અનન્ય ઓળખ ટેગ તૈયાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સાયનના એન્જિનિયર અક્ષય રિડલાને આ પહેલ શરૂ કરી છે. અક્ષયે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે, “અમે સવારે 8.30 વાગ્યે આ પહેલની શરૂઆત કરી હતી અને QR કોડ ટૅગ્સ ફિક્સ કરવા અને તેમને રસી આપવા માટે કૂતરાઓને ફોલો કરતાં તેમની પાછળ ગયા હતા.”
જો કોઈ પાલતું પેટ્સ ખોવાઈ જાય અથવા ભૂલથી બીજી જગ્યા પર જતું રહે છે તો QR કોડ ટેગની મદદ વડે તેને તેના પરિવારને પરત સોંપી શકાય છે. ઉપરાંત શહેરમાં રખડતા પ્રાણીઓનો કેન્દ્રિય ડેટાબેઝ જાળવવામાં પણ BMCને મદદ થઈ શકે છે.
BMCની વેટરનરી હેલ્થ સર્વિસના હેડ ડૉ. કલીમ પઠાણે આ બાબતે જણાવ્યું હતું કે, “કૂતરાઓને પણ રસી આપવામાં આવી છે. ઉપરાંત તેમની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જે કૂતરાઓ સૌને કરડે છે તે બધાની નસબંધી કરવામાં આવી છે. એરપોર્ટની બહાર ડોગ્સ માટે કરવામાં આવેલું QR કોડ ટેગિંગ એક પાઇલોટ પ્રોજેક્ટ છે. તેને હજી કઈ રીતે આગળ લઈ જઈ શકાય તે માટે અમે જરૂર પ્રયત્નો કરીશું.”
એરપોર્ટની બહાર દરરોજ લગભગ 300 રખડતા કૂતરાઓને ખવડાવતી બાંદ્રાની રહેવાસી સોનિયા શેલારનું કહેવું છે કે તેમનું કામ કૂતરાઓને નજીક લાવવાનું અને BMC પશુચિકિત્સક દ્વારા તેમને રસી અપાવવાનું છે.
ખરેખર જો કોઈ કૂતરો ખોવાઈ જાય તો આ કાર્ડની મદદથી તેને શોધી શકાય છે. ઉપરાંત આ કૂતરાને તેના પરિવારને ફરી સોંપી શકાય છે. આ સાથે કૂતરાઓનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે જેના પરથી શહેરમાં કેટલા રખડતાં કુતરાઓ છે તેનો પણ ખ્યાલ આવશે.