દિવાળી વખતે મુંબઈની હવા બહુ જ ખરાબ થઈ ગઈ હતી અને સ્મૉગ, ધુમ્મસ છવાયેલું રહેતું હ
ફાઇલ તસવીર
દિવાળી પછીથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે મુંબઈગરાઓને એક લાભ થયો છે અને એ લાભ એટલે હવાની ગુણવત્તા સુધરી ગઈ છે. મુંબઈમાં દિવાળી વખતે જે સ્મૉગ, ધુમ્મસ છવાયેલું રહેતું હતું એ હટી ગયું છે અને એથી લોકોને શરદી-ખાંસીની જે તકલીફ થતી હતી એમાં પણ હવે રાહત મળશે.
દિવાળી વખતે મુંબઈની હવા બહુ જ ખરાબ થઈ ગઈ હતી અને સ્મૉગ, ધુમ્મસ છવાયેલું રહેતું હતું. એથી હવાની ગુણવત્તા વધુ ન બગડે એ માટે કોર્ટે પણ સાવચેતીનાં પગલાં લઈને ફટાકડા ફોડવા પર સમયમર્યાદા બાંધી હતી. એટલું જ નહીં, બીએમસીએ પણ એ માટે પગલાં લીધાં હતાં અને રસ્તાઓ પર પાણી છાંટવામાં આવતું હતું, મશીન દ્વારા પણ પાણીનો છંટકાવ થતો હતો અને સાથે જ કન્સ્ટ્રક્શનની સાઇટો જે ઍર-પૉલ્યુશન રોકવાનાં પગલાં નહોતી લેતી તેમને નોટિસ મોકલાવી સખત પગલાં લેવાયાં હતાં. એમ છતાં હવાની ગુણવત્તામાં જોઈએ એવો સુધારો નહોતો આવી રહ્યો. જોકે આ કમોસમી વરસાદને કારણે હવામાં રહેલી ધૂળની રજકણો બેસી જતાં આખરે હવાની ગુણવત્તા સુધરી હતી અને ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ કુર્લા (૧૧૭ એક્યુઆઇ)ને છોડીને અન્ય સ્થળોએ ૧૦૦ની અંદર આવી ગયો હતો. બપોરે ત્રણ વાગ્યે મુંબઈનો ઍવરેજ એક્યુઆઇ ૫૭ હતો જે મોડરેટ કૅટેગરી ગણાય છે. સૌથી વધુ પૉલ્યુશન કુર્લા (૧૧૭ એક્યુઆઇ), ત્યાર બાદ બોરીવલી-ઈસ્ટ (૯૭ એક્યુઆઇ) અને એ પછી બાંદરા-બીકેસીમાં જણાઈ આવ્યું હતું જ્યાં એક્યુઆઇ ૮૪ હતો. બાંદરા ૭૮, કોલાબા ૭૦, નેવીનગર ૬૬, વરલી ૬૩, માઝગાવ ૬૧, સાયન ૫૫, પવઈ ૫૫, જુહુ ૪૨, જોગેશ્વરી ૩૮, મુલુંડ ૩૮, થાણેમાં ૩૮ એક્યુઆઇ નોંધાયો હતો. જોકે આ કમોસમી વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને હાલાકી ભોગવવી પડી છે અને ખેતરમાં વરસાદ અને કરા પડતાં પાકને નુકસાન થયું છે.