નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા તાજેતરમાં જ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 21 કિલોમીટર લાંબી ટનલ, ભારતની પ્રથમ અન્ડરસી રેલ ટનલ બનાવવા માટે એફકોન્સ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં હવે સમુદ્રની નીચેથી બુલેટ ટ્રેન દોડશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે દરિયાની નીચે સાત કિલોમીટર જેટલી ટનલ બનાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ માટે દેશના સૌથી મોટા ટીબીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
બીકેસી અને કલ્યાણ શિલફાટા વચ્ચે 21 કિલોમીટર જેટલી લાંબી ટનલનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે. 7 કિલોમીટર લાંબી ટનલ થાણેખડીની નીચે દરિયામાં નિર્માણ કરવામાં આવશે. આ 21 કિલોમીટર લાંબી ટનલ માટે કુલ ત્રણ TBM મશીનો (ટનલ બોરિંગ મશીન) લગાવવામાં આવશે. એક મશીન દેશનું સૌથી મોટું હોવાની માહિતી પણ સામે આવી છે.
ADVERTISEMENT
16 કિલોમીટર લાંબી ટનલનું કામ ત્રણ મશીનની સહાયતાથી કરવામાં આવશે. આ સૌથી મોટું TBM મશીન 13.1 મીટર વ્યાસનું હશે. અગાઉ કોસ્ટલ રોડ માટે 12 વ્યાસના TBM મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કામ Afcons કંપની દ્વારા ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કંપની ચાલુ નાણાકીય વર્ષમાં વિવિધ ભૂગર્ભ મેટ્રો પ્રોજેક્ટ્સ માટે 20 ટનલ બોરિંગ મશીન (TBM) ઇન્સ્ટોલ કરશે. આ વર્ષે કુલ 17 TBM મશીન તૈનાત કરવામાં આવશે. આવતા વર્ષની શરૂઆતમાં વધુ ત્રણ તૈનાત થશે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા તાજેતરમાં જ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 21 કિલોમીટર લાંબી ટનલ, ભારતની પ્રથમ અન્ડરસી રેલ ટનલ બનાવવા માટે એફકોન્સ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
થાણેની ખાડીમાં અંડર સી ટનલ 7 કિલોમીટર લાંબી બાંધવામાં આવશે. ઉપરાંત આ ટનલ જમીનની સપાટીથી લગભગ 25થી 65 મીટર નીચે હશે. ઉલ્લેખનીય છે કે, 16 કિમી ટનલ આ TBM મશીનનો ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવશે. જ્યારે પાંચ કિમી ટનલનું બાંધકામ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડ (NATM) નો ઉપયોગ કરીને બાંધવામાં આવશે એવી માહિતી મળી રહી છે.
વિક્રોલી અને સાવલી ખાતે આ ટનલની ઊંડાઈ 36, 56 અને 39 મીટર હશે. જ્યારે ઘણસોલી ખાતે 42 મીટરની ઝુકાવ વાળી શાફ્ટ તેમ જ શિલફાટા ખાતે ટનલ પોર્ટલ લગભગ પાંચ કિમીની NATM ટનલીંગ પદ્ધતિ દ્વારા બાંધવામાં આવશે. ટનલના બાંધકામ માટે 13.1 મીટર વ્યાસના કટર હેડ સાથે ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.
બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ રન 2026માં થશે એવી આશા રેલવે મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 508 કિલોમીટરમાંથી 352 કિલોમીટરનો માર્ગ ગુજરાતના ભાગમાં આવનાર છે. હાઈ સ્પીડ કોરિડોરના કુલ 12 સ્ટેશનો બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. જેમાં 1.08 લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.