ગરમીને લીધે લાગેલી આગમાં 35 વેહિકલ થઈ ગયાં ખાખ?
આગમાં ખાખ થયેલા વાહનો
વસઈના વાલિવ પોલીસ-સ્ટેશનની સામે રવિવારે બપોરે લાગેલી આગમાં ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર મળીને ૩૫ જપ્ત કરેલાં વાહનોનો નાશ થયો હતો. આગની જ્વાળાઓને કાબૂમાં લેવા માટે વસઈ-વિરાર મહાનગરપાલિકાના ફાયર-બ્રિગેડ વિભાગના જવાનોને બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ વાહનોને વાલિવ પોલીસે વિવિધ ગુનાહિત કેસમાં કબજે કર્યાં હતાં. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું એક ફાયરમૅને જણાવ્યું હતું. આસપાસમાં ઊગેલા સૂકા ઘાસમાં ઉનાળાની ગરમીને કારણે આગ લાગી હોવાથી વાહનો એની ચપેટમાં આવી ગયા હોવાની શક્યતા છે. વાલિવ પોલીસે કહ્યું હતું કે આ બાબતે વધુ તપાસ ચાલી રહી છે.

