ગાંવદેવીમાં રહેતાં સુપરફિટ વાદળીબહેન શાહે નચિંત થઈને કરાવી હર્નિયાની સર્જરીઃ નિયમિત, શિસ્તબદ્ધ અને સાદગીભર્યું જીવન છે તેમના શતાબ્દી-પ્લસ જીવનનું રહસ્ય
આૅપરેશન સફળ થયા બાદ પૂર્ણપણે સ્વસ્થ વાદળીબહેન શાહ હવે ઘરે આવી ગયાં છે
ગાંવદેવીમાં રહેતાં ૧૦૧ વર્ષનાં વાદળીબહેન પ્રતાપચંદ શાહ જિંદગીમાં પહેલી વાર હૉસ્પિટલમાંથી ઑપરેશન કરાવીને શુક્રવારે ઘરે પાછાં ફર્યાં. ઉંમરને લગતી નાની-મોટી સમસ્યાઓ છે છતાં તેઓ આ ઉંમરે પણ સ્વસ્થ અને મસ્ત છે. ૬ મેએ તેઓ ૧૦૧ વર્ષ પૂરાં કરશે.
ADVERTISEMENT
વાદળીબહેનના પુત્ર મહેન્દ્રભાઈ ૭૭ વર્ષના છે અને પૌત્ર દેવેન્દ્ર પંચાવન વર્ષના છે. તેમના વિશે માહિતી આપતાં દેવેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમે મૂળ બનાસકાંઠા પંથાવાડ ગામના મૂર્તિપૂજક જૈન. મારાં દાદીનો પરિવાર મોટો; બે દીકરા અને ચાર દીકરીઓ. વર્ષોથી મુંબઈમાં આવીને વસ્યાં. પરિવાર કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં છે. આટલાં વર્ષોમાં તેમને ક્યારેય મોટી બીમારી માટે હૉસ્પિટલમાં દાખલ નથી થવું પડ્યું. એકાદ-બે વાર ફુલ બૉડી ચેક-અપ માટે ગયાં હતાં એટલું જ. થોડા દિવસ પહેલાં જ તેમને પેટમાં થોડી તકલીફ થઈ, ડાઇજેશનનો ઇશ્યુ લાગ્યો. તપાસ કરાવતાં ખબર પડી કે તેમને હર્નિયાની તકલીફ છે અને એમાં ઑપરેશન જ કરાવવું પડે, દવાથી સારું ન થાય. ડૉક્ટરે આ ઉંમરે ઑપરેશન થઈ શકશે કે કેમ એ જોવા માટે રિપોર્ટ કઢાવ્યા, જે બધા જ નૉર્મલ આવ્યા. એથી દાદીને અમે કહ્યું કે ઑપરેશન કરવું પડશે. તેમણે કહ્યું, કશો વાંધો નહીં, ચાલો કરાવી લઈએ. ડૉક્ટરોએ પણ કહ્યું કે તેઓ ફિટ છે, વાંધો નહીં આવે; જો નહીં કરો તો આગળ જતાં તો ઉંમર વધવાની છે; અત્યારે તેમને બીજી કોઈ જ તકલીફ નથી તો ઑપરેશન કરવામાં મુશ્કેલી ન થવી જોઈએ. એથી અમે ઑપરેશન કરાવવાનો નિર્ણય લીધો અને ભાટિયા હૉસ્પિટલમાં ઑપરેશન કરાવ્યું જે સફળ પણ રહ્યું અને શુક્રવારે ડિસ્ચાર્જ આપતાં તેઓ ઘરે પણ આવી ગયાં.’
૧૦૧ વર્ષ સુધી દાદી આટલાં સ્વસ્થ કઈ રીતે રહ્યાં છે એવો સવાલ કરતાં દેવેન્દ્રભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમે જૈન હોવાથી દાદી પહેલેથી જ બહુ ધાર્મિક અને શિસ્તબદ્ધ જીવન જીવવાવાળાં. તેમનો દિવસ સવારે ૪.૩૦ વાગ્યે શરૂ થઈ જાય. એ પછી જપ-તપ, દેરાસર જઈને આવે પછી જ નાસ્તો કરે. સાંજે ૪.૩૦ વાગ્યે ચોવિહાર કરી જ લેવાનો. હાઇજીનનું પણ પ્રૉપર ધ્યાન રાખે અને હેલ્ધી ડાયટ જ લે. ઘરે પ્રસંગ હોય અને અમે આગ્રહ કરીએ તો ક્યારેક થોડી મીઠાઈ કે અન્ય વસ્તુ લે, અન્યથા તેઓ તેમના ડાયટને ચેન્જ ન કરે. ઑપરેશન કરાવતાં પહેલાં જ્યારે તેમને એ વિશે કહ્યું ત્યારે તેઓ ફુલ્લી પ્રિપેર્ડ હતાં. નિયમિત, શિસ્તબદ્ધ અને સાદગીભર્યું જીવન જ તેમના આ શતાબ્દી-પ્લસ જીવન માટેનું રહસ્ય કહી શકાય.’

