મુંબઈ: કાંજુર માર્ગમાં વૅક્સિન રાખવા 5000 ફુટનું કોલ્ડ સ્ટોરેજ
કોલ્ડ સ્ટોરેજ
કોરોનાની વૅક્સિન સ્ટોર કરવા માટે વિશેષ કાળજી લેવી પડે એમ છે એથી મુંબઈ મહાનગરપાલિકાએ એ માટે કાંજુરમાર્ગમાં ખાસ કોલ્ડ સ્ટોરેજ બનાવવા જગ્યા નક્કી કરી છે. ટૂંક સમયમાં એનાં ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવશે. મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે ગઈ કાલે એ જગ્યાની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને એ બદલ માહિતી આપી હતી.
આ કોલ્ડ સ્ટોરેજમાં ચોક્કસ તાપમાને કોરોનાની વૅક્સિન રાખવામાં આવશે. સૂર્યપ્રકાશ ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ૫૦૦૦ સ્ક્વેર ફુટના વિસ્તારમાં એ રાખવામાં આવશે. ૪૦ ક્યુબિક કૅપેસિટીનાં બે ઉપકરણો ત્યાં ગોઠવવામાં આવશે, જેમાંથી એક કોમ્પ્રેસર -૧૫ ડિગ્રીથી લઈને ૨૫ ડિગ્રી ટેમ્પરેચર મેઇન્ટેઇન કરશે. મુંબઈને પૂરી પાડવાની વૅક્સિન આ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે. આ કોલ્ડસ્ટોરેજમાં ફ્રીઝર એરિયા, વર્કશૉપ, સ્ટોર ક્લાર્ક, અને ડ્રાય સ્ટોરના વિભાગ હશે. વચ્ચે ફોર્ક લિફ્ટ રાખવામાં આવશે, જ્યારે ડાબી બાજુ વૉક ઇન કોલ્ડરૂમની વ્યવસ્થા કરાશે.
ADVERTISEMENT
આ વૅક્સિન પહેલાં કોરોના સામે લડત આપી રહેલા સરકારી ડૉક્ટર્સ, નર્સ, વૉર્ડબૉય, ટેક્નિશ્યન્સ, સફાઈ-કામદારને આપવામાં આવશે. ત્યાર બાદ પ્રાઇવેટ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફને આપવામાં આવશે.

