સુશાંત સિંહ કેસમાં સેલિબ્રિટી મૅનેજર અને યુકેના નાગરિક સહિત 3ની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ગયા વર્ષે થયેલા મૃત્યુ તથા તેની સાથે જોડાયેલા ડ્રગ્સના મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગઈ કાલે સેલિબ્રિટી મૅનેજર રહીલા ફર્નિચરવાલા અને બ્રિટિશ નાગરિક કરણ સંજનાની સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ત્રણેયની ડ્રગ્સની સપ્લાયમાં સંડોવણી હોવાનું તપાસમાં જણાયા બાદ તેમની ધરપકડ કરાઈ હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
એનસીબીએ કથિત ડ્રગ્સ-સપ્લાયર અને ગયા વર્ષે જેની ધરપકડ કરાઈ હતી એવા સહઆરોપી કરમજિતસિંહ આનંદના ભાઈ જગતાપસિંહ આનંદની ધરપકડ કરી હતી. ગયા વર્ષે બાંદરા અને ખારમાં એનસીબીએ દરોડા પાડ્યા હતા ત્યારે નશીલા પદાર્થ મળ્યા હતા. એના કનેક્શનમાં આ ત્રણેયની ધરપકડ કરાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એનસીબીના હાથમાં એ સમયે ૨૦૦ કિલો ગાંજાની સાથે ઇમ્પોર્ટ કરાયેલા ઓઝી કુશ અને મારીજુઆનાનો જથ્થો લાગ્યો હતો. આ પ્રતિબંધિત પદાર્થો અમેરિકાના લોકલ વિસ્તારમાંથી ભારત ઇમ્પોર્ટ કરાયા હોવાનું આરોપીઓની પૂછપરછમાં જણાયું હતું.

