એક કોન્સ્ટેબલે ઇલેક્ટ્રિશિયનની મદદથી તેમને બચાવવામાં મદદ કરી; સ્ટેશન માસ્ટર સ્થળ પરથી ગાયબ
બુધવારે લિફ્ટમાં 22 લોકો ફસાયા હતા. તસવીર/સમીર માર્કંડે
શુક્રવારે રાત્રે લગભગ 22 મુસાફરો બાંદરા સ્ટેશન (Bandra Station) પર એક લિફ્ટની અંદર 35 મિનિટથી સુધી ફસાઈ ગયા હતા. પેટ્રોલિંગમાં રહેલી એક મહિલા કોન્સ્ટેબલે તેમની ચીસો સાંભળી અને સ્ટેશન માસ્ટરને ઘટનાની જાણ કરી હતી. જોકે, સ્ટેશન માસ્તરે કથિત રીતે સ્થળની મુલાકાત લીધી ન હતી અને મુસાફરોને મદદ કરવા માટે ઇલેક્ટ્રિશિયન બોલાવવામાં પણ વિલંબ થયો હતો.
બાંદરા ગવર્નમેન્ટ રેલવે પોલીસના કોન્સ્ટેબલ શાહીન પઠાણે જણાવ્યું હતું કે “આ ઘટના 16 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યે બની હતી. ઘટના પ્લેટફોર્મ નંબર અએક પર બની હતી. એક સમયે 8-10 લોકોની ક્ષમતા ધરાવતી લિફ્ટ જમીન અને પહેલા માળની વચ્ચે ફસાઈ ગઈ હતી."
ADVERTISEMENT
પઠાણે મિડ-ડેને જણાવ્યું કે, “હું સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મેં લિફ્ટમાંથી ચીસો સાંભળી. મેં જોયું કે લિફ્ટ બે માળ વચ્ચે ફસાઈ ગઈ હતી અને તરત જ સ્ટેશન માસ્તરને ફોન કરીને મદદ માગી. પહેલા તેમણે મને કહ્યું કે લિફ્ટ પરવાનગી કરતાં વધુ વજનને કારણે અટકી ગઈ છે અને તે પાંચ મિનિટમાં શરૂ થશે. જોકે લિફ્ટ ચાલુ ન થતાં મેં તેમને ફરીથી ફોન કર્યો. તેમણે કહ્યું કે તે ઇલેક્ટ્રિશિયનને મોકલશે, પરંતુ ઇલેક્ટ્રિશિયનને આવતા લગભગ વધુ 25 મિનિટનો સમય લાગ્યો હતો.
તેણીએ ઉમેર્યું કે “યાત્રીઓ લાંબા સમય સુધી અટવાયા હતા અને તેમને ગભરામણ થઈ હતી. મેં તેમને શાંત કરવાના પ્રયાસ કર્યા હતા અને તેમની સાથે વાતચીત કરવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે ઇલેક્ટ્રિશિયન આવ્યો ત્યારે તેણે કહ્યું કે લિફ્ટનો દરવાજો ચાવીથી ખોલી શકાય છે, પરંતુ જો લિફ્ટ અચાનક ખસી જાય તો દુર્ઘટના થવાની શક્યતા હજુ પણ છે. આખરે, લિફ્ટનો દરવાજો ખોલવામાં આવ્યો અને મુસાફરોને 2 ફૂટના અંતરનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.”
પ્લેટફોર્મ પર હાજર એક ફૂડસ્ટૉલ ચલાવતી વ્યક્તિએ મિડ-ડેને કહ્યું કે, “લિફ્ટની અંદર ફસાયેલા લોકોની ચીસો સાંભળીને ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. મહિલા પોલીસકર્મી સ્ટેશન માસ્ટર પાસેથી અપડેટ લઈ રહી હતી, પરંતુ તેમને પૂરતી મદદ મળી ન હતી. તેણીએ લોકોને શાંત રાખ્યા અને તેમને બચાવવામાં મદદ કરી. સ્ટેશન માસ્ટરે તેની જવાબદારી હોવા છતાં સ્થળની મુલાકાત પણ લીધી ન હતી.”
ઘટના સમયે પ્લેટફોર્મ પર હાજર એક મોચીએ મિડ-ડેને કહ્યું કે, “લગભગ 25 મિનિટ પછી ઇલેક્ટ્રિશિયન મદદ કરવા આવ્યો. મોટાભાગના મુસાફરો વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ હતા. તે શરમજનક છે કે રેલવેએ તરત જ મુસાફરોની મદદ કરી નથી.”
`આજે દુર્ઘટના વિશે સાંભળ્યું`
સ્ટેશન માસ્તર વિજય જાધવે મિડ-ડેને કહ્યું, “મને આજે આ ઘટના વિશે જાણ થઈ જ્યારે GRPએ તેના વિશે ટ્વિટ કર્યું. ઘટના સમયે, હું સ્ટેશનમાં તપાસમાં હતો. અમારી ટીમમાંથી કોઈ વ્યક્તિ સ્થળ પર દોડી ગઈ અને પરિસ્થિતિને સંભાળી લીધી હતી.”
“લિફ્ટમાં લગભગ 10 લોકોની ક્ષમતા છે, પરંતુ મુસાફરો તેની અવગણના કરે છે. ઓવરલોડને કારણે લિફ્ટ ફસાઈ ગઈ હતી. અમારી પાસે લિફ્ટ અને એસ્કેલેટરની ઘટનાઓનો સામનો કરવા માટે પોતાની ટીમ છે અને હંમેશા આવી ઘટનાઓને પ્રાથમિકતા આપીએ છીએ.” તેમણે ઉમેર્યું હતું.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, “અમે સ્ટેશન માસ્ટર સાથે ચર્ચા કાર્ય બાદ જાણવા મળ્યું કે મુસાફરોની મદદ માટે એક ટીમ સ્થળ પર મોકલવામાં આવી હતી. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે એક યાત્રીએ ઈમરજન્સી નંબર પર કોલ કર્યો હતો અને એક ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. જોકે, કોઈએ ઈમરજન્સી બટન દબાવ્યું હોવાથી શરૂઆતમાં બહારથી દરવાજો ખોલી શકાયો ન હતો. જો કે, બાદમાં ઇલેક્ટ્રિશિયને દરવાજો ખોલ્યો અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.”
આ પણ વાંચો: ઊંઘમાં થર્ડ ફ્લોર પરથી ગ્રાઉન્ડમાં પટકાયાં, બચ્યાં
અધિકારીએ ઉમેર્યું કે, "ઘટના બાદ લિફ્ટની તપાસ કરવામાં આવી છે અને તે સારી રીતે કામ કરી રહી છે."