મુંબઈ: કામાઠીપુરાનાં કૂટણખાનાંમાંથી 141 મહિલાઓનો છુટકારો કરાયો
ગ્રાન્ટ રોડમાં પાવવાલા રોડ પરના સિમ્પ્લેક્સ બિલ્ડિંગમાં પોલીસે દરોડો પાડ્યો હતો.
ગ્રાન્ટ રોડમાં આવેલા સિમ્પ્લેક્સ બિલ્ડિંગમાં ચાલી રહેલા કૂટણખાના પર પોલીસે શનિવારે મોડી રાત્રે દરોડો પાડીને ૧૪૧ યુવતીઓનો છુટકારો કરવાની સાથે ૮૫ લોકોની ધરપકડ કરી હતી. અહીં મોટા પાયે ગેરકાયદે દેહવ્યવસાયનો ધંધો ચાલતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસની સાથે જૉઇન્ટ પોલીસ-કમિશનર (ક્રાઇમ, લૉ ઍન્ડ ઑર્ડર), ઍડિશનલ કમિશનર દક્ષિણ મુંબઈ ઉપરાંત પોર્ટ ઝોન ડીસીપીની ટીમે એકસાથે દરોડો પાડ્યો હતો. એક આરોપી મહિલાએ પોલીસથી બચવા નીચે ઝંપલાવતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસે આ કાર્યવાહીમાં ૧૨ લાખ ૯૬ હજારની કૅશ જપ્ત કરી હતી.
ઉચ્ચ પોલીસ-અધિકારીઓને બાતમી મળી હતી કે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનની હદમાં ગ્રાન્ટ રોડના સિમ્પ્લેક્સ બિલ્ડિંગમાં ગેરકાયદે કૂટણખાનું ચાલે છે. અહીં દેશભરમાંથી યુવતીઓને ફસાવીને લવાયા બાદ તેમને કૂટણખાનું ચલાવનારાઓને વેચીને તેમની પાસે દેહવ્યવસાય કરાવાતો હોવાની ખબરીઓએ માહિતી આપી હતી. આ મામલો ગંભીર હોવાનું જણાતાં ઉચ્ચ પોલીસ-અધિકારીઓએ અહીં મોટા પાયે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
પોલીસે શનિવારે મોડી રાત્રે બે વાગ્યાથી સવારના ૭ વાગ્યા દરમ્યાન ત્રણ માળના સિમ્પ્લેક્સ બિલ્ડિંગમાં દરોડો પાડ્યો હતો. અહીં દેહવ્યવહાય કરનારી ૧૪૧ યુવતીઓને કૂટણખાનું ચલાવનારાઓની પકડમાંથી છોડાવવામાં આવી હતી. આ યુવતીઓ પાસે દેહવ્યવસાય કરાવતાં ૧૪ પુરુષ અને ૧૦ મહિલા ઉપરાંત ૬૫ ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી. ૧૩ મહિલા ભાગી ગઈ હતી. તેમને વૉન્ટેડ જાહેર કરાઈ હતી.
ડેપ્યુટી પોલીસ-કમિશનર (પોર્ટ ઝોન) રશ્મિ કરંદીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કૂટણખાનાંઓમાં યુવતીઓ દ્વારા ગેરકાયદે દેહવ્યવસાય કરાવાતો હોવાની મળેલી બાતમીને આધારે અમે આ કાર્યવાહી કરી હતી. પોલીસને જોઈને બચવા માટે પહેલા માળની બાલ્કનીમાંથી નીચે કૂદકો મારનારી એક મહિલા આરોપીને જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સારવાર બાદ તેની ધરપકડ કરાશે. દેશભરમાંથી યુવતીઓને ફસાવીને અહીં વેચાયા બાદ તેમની પાસે દેહવ્યવસાય કરાવાતો હોવાની બાતમી મળી હતી.’
આ પણ વાંચો : મુંબઈ: નાયર હૉસ્પિટલમાં આત્મહત્યાના મામલે ત્રણ આરોપી ડૉક્ટર ફરાર
પોલીસે દરોડા દરમ્યાન ૧૨ લાખ ૯૬ હજારની રોકડ રકમ જપ્ત કરી હતી. બાદમાં આરોપીઓ સામે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ગેરકાયદે દેહવ્યવસાય કરાવવાના કાયદા હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.ૉ