મુલુંડ-વેસ્ટના ગોરેગામ-લિન્ક રોડ પર ઇન્ટિગ્રેટેડ કમલ સોસાયટીમાં રહેતી ૩૪ વર્ષની અમૃતા પૂનમિયાનું શનિવારે સાંજે ગોરેગામ-લિન્ક રોડ પર ફોર્ટિસ હૉસ્પિટલ નજીક ટ્રકની અડફેટે આવતાં મૃત્યુ થયું હતું.
અમૃતા પૂનમિયા
મુલુંડ-વેસ્ટના ગોરેગામ-લિન્ક રોડ પર ઇન્ટિગ્રેટેડ કમલ સોસાયટીમાં રહેતી ૩૪ વર્ષની અમૃતા પૂનમિયાનું શનિવારે સાંજે ગોરેગામ-લિન્ક રોડ પર ફોર્ટિસ હૉસ્પિટલ નજીક ટ્રકની અડફેટે આવતાં મૃત્યુ થયું હતું. મુલુંડ પોલીસે પ્રાથમિક માહિતીના આધારે ટ્રક-ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. શનિવારે રાતે ૧૧ વાગ્યે અમૃતા પતિ વિશાલ અને ૮ વર્ષની પુત્રી સાથે સંબંધીના ઘરે ગેટ ટુગેધરમાં જઈ રહી હતી ત્યારે ઍક્સિડન્ટ થયો હતો. બેફામ દોડાવી રહેલો ટ્રક-ડ્રાઇવર અકસ્માત બાદ નાસી ગયો હતો. જોકે ડ્રાઇવરને પકડવા માટે પોલીસને જરાય રસ ન હોવાનો આરોપ પૂનમિયા પરિવારે કર્યો છે.
જો કોઈ ફિલ્મસ્ટાર કે પૉલિટિશ્યનના પરિવારમાં આવો પ્રસંગ બન્યો હોત તો પોલીસે ગણતરીના કલાકમાં નાસી ગયેલા ડ્રાઇવરની ધરપકડ કરી હોત, પણ સામાન્ય માણસ સાથે બનેલી ઘટનાને કેમ પોલીસ ગંભીરતાથી નથી લેતી એમ જણાવતાં અમૃતાના સંબંધી મુકેશ પૂનમિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે રાતે મુલુંડ સર્વોદયનગરમાં રહેતા એક સંબંધીના ઘરે વિશાલનો પરિવાર ગેટ ટુગેધર માટે સ્કૂટર પર જઈ રહ્યો હતો. વિશાલ સ્કૂટર ચલાવતો હતો અને પુત્રી હિતાંશી વચ્ચે બેઠી હતી તો અમૃતા છેલ્લે બેઠી હતી. ફોર્ટિસ હૉસ્પિટલ નજીક બેફામ ટ્રક દોડાવી રહેલા ડ્રાઇવરે તેના સ્કૂટરને ટક્કર મારી હતી જેમાં વિશાલે સ્કૂટર પરથી નિયંત્રણ ગુમાવતાં ત્રણે જણ જમીન પર પટકાયાં હતાં. એ દરમ્યાન ટ્રકનું પાછળનું ટાયર અમૃતાના શરીર પર ફરી વળ્યું હતું. ઘટના બાદ અમૃતા અને હિતાંશીને ફોર્ટિસ હૉસ્પિટલમાં ખસેડાયાં હતાં, જેમાં ડૉક્ટરે અમૃતાને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. હિતાંશીની હાલત સ્થિર છે. ગઈ કાલે બપોરે અમૃતાના અંતિમ સંસ્કાર મુલુંડની સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. જોકે પોલીસ ગઈ કાલે સાંજ સુધી ડ્રાઇવરની ધરપકડ નહોતી કરી શકી જેનાથી અમારો સમાજ નારાજ છે. જો પોલીસ યોગ્ય રીતે કાર્યવાહી કરીને ટ્રક-ડ્રાઇવરની ધરપકડ નહીં કરે તો અમે સિનિયર અધિકારીને ફરિયાદ કરીશું.’
ADVERTISEMENT
જે સોસાયટીમાં પૂનમિયા પરિવાર રહે છે એ ઇન્ટિગ્રેટેડ કમલ સોસાયટી.
મુલુંડના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શિવાજી ચવાણે અકસ્માત સંબંધી બોલવાનું ટાળ્યું હતું, પણ અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સંદર્ભે અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ડ્રાઇવરને ઝડપી લેવા માટેના તમામ પ્રયાસ અમે કરી રહ્યા છીએ.’