માય લાસ્ટ લેટર એવા હેડિંગ સાથે અંગ્રેજીમાં લખવામાં આવેલી ચાર પાનાંની નોટમાં પોલીસને સંબોધીને લખવામાં આવ્યું છે કે હું ૧૦૦ વર્ષ સુધી જીવી શક્યો હોત, પણ તમારી ખોટી અને લોભી કાર્યવાહીને લીધે મારે જીવન ટૂંકાવવું પડે છે. આ સિવાય તેણે પત્ની, બાળકો, મમ્મી,
Suicide
ચિરાગ વેરૈયા
મુંબઈ : ૩૦ જાન્યુઆરીએ ઇગતપુરીમાં પોતાના મિત્રના બંગલામાં જઈને આત્મહત્યા કરનાર મુલુંડના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ચિરાગ વેરૈયાના મૃતદેહ પાસેથી જે નોટ મળી હતી એ તેણે જ લખેલી સુસાઇડ-નોટ છે કે નહીં એની પોલીસ તપાસ કરી રહી છે અને હૅન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે એનું લખાણ અને ચિરાગનું લખાણ મૅચ થાય છે કે નહીં એના રિપોર્ટની રાહ જોઈ રહી છે ત્યારે એ નોટમાં રહેલી વિગતો ‘મિડ-ડે’ના હાથ લાગી છે. ‘માય લાસ્ટ લેટર’ના હેડિંગ સાથેની અંગ્રેજીમાં લખેલી ચાર પાનાંની આ નોટમાં તેણે પત્ની, બાળકો, મમ્મી, ભાઈ, કંપનીના સ્ટાફ, મિત્રો, મિહિર કોટેચા, જય કોટેચા, આખી દુનિયા તેમ જ જેણે તેની સામે કથિત બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી તે શ્વેતા અને તેના પતિ ભાવિન સહિત મુંબઈ પોલીસ માટે મેસેજ લખ્યા છે.
જોકે આ બધામાં સૌથી ચોંકાવનારી બે બાબત છે. શ્વેતા અને ભાવિનને સંબોધીને આ નોટમાં લખવામાં આવ્યું છે કે ‘મને તમારી વિરુદ્ધ ફરિયાદ કરવાનો કોઈ પશ્ચાત્તાપ નથી. મારી તમને સલાહ છે કે સાચું બોલીને બધા ઇન્વેસ્ટરોને શક્ય હોય એટલી રકમ પાછી આપવાની કોશિશ કરજો. સારા માણસ બનો.’
બીજી છે પોલીસને સંબોધીને લખેલી વાત. પોલીસ/ડીસીપી ઑફિસને સંબોધીને આ નોટમાં લખવામાં આવ્યું છે કે ‘હું સમજું છું કે તમારે લાંચ લેવાની હોય છે, પણ દરેક બાબતમાં મોઢું ન મારવું જોઈએ. તમારી ખોટી ઍક્શન આખા પરિવાર અને સમાજને ડિસ્ટર્બ કરે છે. મારી ફૅમિલી, ક્લાયન્ટ્સ, સ્ટાફ, તેમની ફૅમિલી સહિત ૫૦૦થી વધારે જણ મારા પર નિર્ભર છે. હું ૧૦૦ વર્ષ સુધી જીવી શક્યો હોત, પણ તમારી ખોટી અને લોભી કાર્યવાહીને લીધે મારે જીવન ટૂંકાવવું પડે છે. ચાલો, જવા દો. મને કોઈ અફસોસ નથી, પણ ભવિષ્યમાં આવું નહીં કરતા. અને છેલ્લે, વર્ષોમાં કમાયેલી મારી ગુડવિલ અને રેપ્યુટેશન ધૂળધાણી થતી હું નથી જોઈ શકતો. આ જ વાતે મને નબળો પાડી દીધો છે.’
ADVERTISEMENT
આ જ નોટમાં આખા વિશ્વને સંબોધીને લખવામાં આવ્યું છે કે ‘મને લવ અને રિસ્પેક્ટ આપવા બદલ હું તમારા બધાનો અભારી છું. મેં મારી જિંદગી સારી રીતે જીવી લીધી છે. હવે છેલ્લી ઘડીઓમાં હું કંઈ ખોટું નહીં બોલું. મેં ક્યારેય શ્વેતાને સ્પર્શ સુધ્ધાં નથી કર્યો. આ બધાં તેમની તરફથી આપવામાં આવેલાં ખોટાં સ્ટેટમેન્ટ્સ છે. મારી ઇચ્છા બધું ભૂલીને તેમને માફ કરી દેવાની છે જેથી તેમને સારા માણસ બનવાની તક મળે.’
એમાં પત્ની અલકાને સંબોધીને લખવામાં આવ્યું છે કે ‘જો કોઈ વસ્તુ મને અંતિમ પગલું ભરતાં રોકતી હોય તો એ છે તારો પ્રેમ. તને અધવચ્ચે છોડી જવા બદલ મને માફ કરજે. તું હિંમત રાખજે તથા મિથિલ અને નિશ્કાનું ધ્યાન રાખજે. ગુડ બાય.’
આ જ નોટમાં ત્યાર બાદ પુત્રો મિથિલ અને નિશ્કાને સંબોધીને લખવામાં આવ્યું છે કે ‘આઇ ઍમ સૉરી. હું તમારા પ્રત્યેની મારી જવાબદારી પૂરી ન કરી શક્યો. આઇ ઍમ બૅડ પાપા. તમારું અને મમ્મા (મમ્મી)નું ધ્યાન રાખજો. હવે તમારે ઇન્ડિપેન્ડન્ટ બનીને એજ્યુકેશન પૂરું કરવાનું છે. તમે ગ્રો થજો અને મોટા માણસ બનજો. મારી શુભેચ્છા તમારી સાથે છે. ક્યારેય જિનશાસન અને એના સિદ્ધાંતોને ભૂલતા નહીં. તમારે વહેલા મૅચ્યોર્ડ થઈ જવું પડશે. તમારી મમ્માનું ધ્યાન રાખજો.’
નાશિક ગ્રામીણના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સહાજી ઉમાપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસેથી મળેલી નોટ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. એ નોટ તેણે જ લખી છે કે નહીં એ બાબતની તપાસ થઈ રહી છે.’
નોટમાં પોલીસના ભ્રષ્ટાચારની વાત છે અને પોલીસની આ ભૂલ અને લોભને લીધે જ તેણે સુસાઇડ કર્યું હોવાનું લખ્યું છે એવા ‘મિડ-ડે’ના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતુ કે ‘એ વાત લખવામાં આવી છે, પણ એમાં કોઈનું નામ નથી લખવામાં આવ્યું એટલે અમે એના પર પણ વિગતવાર તપાસ કરી રહ્યા છે’
ચિરાગના ભાઈ સંજય વેરૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં સુસાઇડ-નોટ અમારા હાથમાં આવી નથી. ચિરાગના ગયા પછી એની બધી વિધિઓ જ અત્યારે ચાલુ છે. આવતા અઠવાડિયે અમે ઇગતપુરી પોલીસ સ્ટેશન જવાના છે ત્યારે અમને સુસાઇડ-નોટ અને બીજા જોઈતા પેપરો મળે એવી શક્યતાઓ છે.’
વધુ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે ‘ચિરાગ સામે ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ૧૦ જાન્યુઆરીએ ફરિયાદ નોંધવામાં આવી હતી. એ પછી પોલીસે વચ્ચે કોઈ તપાસ ન કરતાં ડાયરેક્ટ ૨૬ જાન્યુઆરીએ ઘરે પોલીસ આવી અને ચિરાગને સ્ટેટમેન્ટ માટે લઈ ગઈ હતી. એ લીધા પછી તેને સોમવારે બોલાવવામાં આવ્યો હતો. ચિરાગ સામે થયેલી ફરિયાદમાં જે દાવો કરવામાં આવ્યો છે એ પણ પાયા વગરનો હોય એવું લાગે છે. અમને ન્યાયવ્યવસ્થા પર વિશ્વાસ છે જે ચિરાગને જરૂર મળશે.’
આ બધા વચ્ચે શનિવારે ઇગતપુરી પોલીસની એક ટીમ મુંબઈ આવી હતી અને એણે ચિરાગના પત્ની અલકા અને ભાઈ સંજયનાં સ્ટેટમેન્ટ્સ લીધાં હોવાનું જાણવા મળ્યું છે. આ અઠવાડિયે તેઓ ફરી આવે એની ભારોભાર શક્યતાઓ છે.
મુલુંડ-વેસ્ટમાં સિલ્વર હાઇટમાં રહેતા અને અરિહંત શૉપિંગ સેન્ટરમાં ઑફિસ ધરાવતા ૪૪ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ચિરાગ વેરૈયા સામે ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ૧૨ જાન્યુઆરીએ શ્વેતા શાહ નામની મહિલાએ બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જે ખોટી હોવાનો દાવો કરીને ચિરાગે ઇગતપુરીના એક બંગલામાં ૩૦ જાન્યુઆરીએ આત્મહત્યા કરી હતી.
નોંધનીય વાત એ છે કે જે મહિલાએ ચિરાગ સામે ફરિયાદ નોંધાવી છે એ જ મહિલાએ ગયા વર્ષે ૯૩.૨૪ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ચિરાગે જાન્યુઆરી ૨૦૨૨માં મુલુંડ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ છેતરપિંડીમાં ફરિયાદી મહિલા સહિત તેનો પતિ, ભાઈ અને ભાભી આરોપી છે.