૭૫ વર્ષના ભરત રાજ પૂલમાં હતા ને તબિયત બગડી, પણ રિક્ષામાં હૉસ્પિટલ પહોંચાડાયા છતાં તેમને બચાવી ન શકાયા : સ્વિમિંગ-પૂલની બહાર ઍમ્બ્યુલન્સ રાખવાની વારંવારની માગણી છતાં એના પર ધ્યાન આપવામાં આવતું ન હોવાનો તેમના મિત્રોનો આક્ષેપ
ભરત રાજ
ઘાટકોપર-ઈસ્ટનો બીએમસી સંચાલિત સ્વિમિંગ-પૂલ છેલ્લાં પાંચ વર્ષથી બંધ હોવાથી ઘાટકોપરના રહેવાસીઓ હવે ચેમ્બુર જાય છે. ઘાટકોપર-વેસ્ટમાં ચિરાગનગરમાં સાવંતવાડીના નીલકંઠનગરમાં રહેતા ૭૫ વર્ષના ગુજરાતી ભરત રાજ પણ તેમના વર્ષો જૂના મિત્રો સાથે નિયમિત સ્વિમિંગ માટે જાય છે. જોકે ગઈ કાલનો દિવસ તેમના મિત્રવર્તુળ સાથેનો છેલ્લો દિવસ બન્યો હતો. જે મિત્રો સાથે તેઓ જીવનનો ગોલ્ડન સમય પસાર કરતા હતા તેમની સામે જ તેમણે જીવ ગુમાવતાં મિત્રવર્તુળ ભારે આઘાતમાં સરી પડ્યું છે. મિત્રોએ કહ્યું હતું કે ‘ગઈ કાલે ભરતભાઈ સ્વિમિંગ-પૂલમાં હતા ત્યારે સારું ન લાગતાં પૂલમાંથી બહાર આવ્યા હતા. તેમની તબિયત વધુ લથડતાં રિક્ષામાં ચેમ્બુરમાં દેરાસર પાસેના એક દવાખાનામાં લઈ ગયા હતા. ત્યાં ડૉક્ટરે તપાસીને તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. સ્વિમિંગ-પૂલના સભ્યો છેલ્લા ઘણા સમયથી સતત માગણી કરી રહ્યા કે સ્વિમિંગ-પૂલની આસપાસ મોટી જગ્યા છે તો ત્યાં ઇમર્જન્સી માટે ઍમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવે, પરંતુ એના પર ધ્યાન ન અપાતાં અમારે ભરતભાઈને રિક્ષામાં હૉસ્પિટલ લઈ જવા પડ્યા હતા. ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’
ચેમ્બુરમાં બીએમસી સંચાલિત જનરલ અરુણકુમાર વૈદ્ય તરણ તલાવ નામના સ્વિમિંગ-પૂલમાં ભરત રાજ સાથે ઘાટકોપરના ૩૦થી ૪૦ ગુજરાતી મિત્રોનું ગ્રુપ દરરોજ સ્વિમિંગ માટે જાય છે. ભરતભાઈ આ ગ્રુપના વરિષ્ઠ સભ્ય હોવાની સાથે સૌકોઈના લાડકા હતા અને હસમુખા હોવાથી બધા તેમને ખૂબ પસંદ કરતા હતા. સ્વાસ્થ્ય જાળવવા તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી સ્વિમિંગ માટે જાય છે.
આ બનાવ વખતે સ્વિમિંગ-પૂલમાં ઉપસ્થિત અને ભરતભાઈના ગ્રુપના સભ્ય ઘાટકોપરના હિંમત ગોરીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભરતભાઈ સવારે ૮ વાગ્યાના બૅચમાં હતા. ગઈ કાલે સવારે ૮.૪૫ વાગ્યે સારું ન લાગતાં તેઓ સ્વિમિંગ-પૂલમાંથી બહાર આવી ગયા હતા. એ પછી તબિયત વધુ લથડતાં ત્યાંના એક કોચે સીપીઆર આપવાનો પ્રયત્ન કર્યો હતો. દરમ્યાન તબિયત વધુ લથડી હોવાથી અમે તેમને રિક્ષામાં હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં તેમને દાખલ કરતાં પહેલાં ડૉક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. અમને બધાને ભારે આઘાત લાગ્યો છે.’
હિંમતભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે ‘ભરતભાઈ એકદમ તંદુરસ્ત હતા અને સ્ટેટ લેવલની બે કિલોમીટરની સ્પર્ધામાં સહભાગી પણ થયા હતા. દરરોજ અમે સ્વિમિંગ બાદ નજીક આવેલા સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરીને પછી જ ઘરે જતા હતા. અમે સ્વિમિંગ-પૂલ સંભાળનારને અનેક વખત સ્વિમિંગ-પૂલની બહાર ઇમર્જન્સી જેવી પરિસ્થિતિ માટે ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની માગણી કરી છે, પણ એના પર બિલકુલ ધ્યાન અપાયું નથી. ભરતભાઈને ઍમ્બ્યુલન્સની અંદર ઑક્સિજન કે અન્ય મેડિકલ વ્યવસ્થા કે પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા સીઆરપી આપવાની સાથે હૉસ્પિટલ લઈ જવાયા હોત તો કદાચ ભરતભાઈ બચી ગયા હોત. પાંચમી એપ્રિલે પણ આવો બનાવ બન્યો હોવાનું અમને જાણવા મળ્યું હતું.’
ઘાટકોપર-ઈસ્ટના પંતનગર રહેતા નરેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લાં ૩૦ વર્ષથી સ્વિમિંગ કરવાની સાથે લોનાવલા, જગન્નાથપુરી, લવાસા જેવાં અનેક સ્થળોએ ફરવા ગયા છીએ. અમે એકબીજા વગર એક દિવસ ન મળીએ તો અમારો દિવસ પસાર થતો નથી. હું સવારે નવથી દસ વાગ્યાના બૅચમાં છું. હું પહોંચ્યો ત્યારે કોચથી લઈને ગ્રુપના બધા સભ્યો ભરતભાઈની આસપાસ ભેગા થઈ ગયા. અમે ભરતભાઈને પહેલાં નજીકના નર્સિંગ હોમમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુવિધા ન હોવાથી તાત્કાલિક રિક્ષામાં જૈન દેરાસર પાસેની હૉસ્પિટલ લઈ ગયા હતા. ડૉક્ટરે કહ્યું કે તમે ગોલ્ડન સમય ગુમાવી દીધો. ૧૦-૧૫ મિનિટ વહેલા લાવ્યા હોત તો કંઈક કરી શક્યા હોત. જોકે એમ છતાં ડૉક્ટરે પ્રયાસ કરી જોયો હતો, પણ ભરતભાઈ બચી ન શક્યા. ભરતભાઈ દરરોજ કાર ડ્રાઇવ કરીને આવતા હતા અને સ્વામીનારાયણના મોટા ભક્ત હતા. ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત નહોતા કરતા. જો તરત ઍમ્બ્યુલન્સ મળી હોત તો આ બનાવ બન્યો ન હોત. હવે અમે બધા ભેગા મળીને ફરી નિવેદનપત્ર આપીને પહેલાં ઍમ્બ્યુલન્સ ઊભી રાખવાનું કહીશું.’
ADVERTISEMENT
બીએમસી શું કહે છે?
ચેમ્બુરનો બીએમસીનો સ્વિમિંગ-પૂલ સંભાળનાર અધિકારી અર્ચના દેશમુખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભરત રાજ દરરોજ સ્વિમિંગ માટે અહીં આવતા હતા. ગઈ કાલે સ્વિમિંગ-પૂલમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ પ્રોટીન શેક પી રહ્યા હતા. દરમ્યાન અચાનક તેમને દુખાવો ઊપડ્યો હતો. ઍમ્બ્યુલન્સ માટે માગણી કરવામાં આવી છે અને અમે એ સંબંધિત વિભાગમાં નિવેદન આગળ મોકલ્યું હોવાથી ટૂંક સમયમાં એ સુવિધા ઉપલબ્ધ થઈ જશે.’