થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસે કોર્ટને કહ્યું કે સિક્યૉરિટી આપતાં પહેલાં ઇન્કવાયરી કરાતી હોય છે અને એ પરથી કેટલું જોખમ છે એ જાણીને કેટલું અને કેટલો વખત પ્રોટેક્શન આપવું એ નક્કી થતું હોય છે
રાજન વિચારે
શિવસેનાના સંસદસભ્ય રાજન વિચારેએ તેમની સિક્યૉરિટી ઘટાડવામાં આવતાં તેમને અને તેમના પરિવારને જોખમ હોવાથી એ ફરી વધારવામાં આવે એવી અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરી હતી. કોર્ટે એનો પોલીસ પાસે જવાબ માગ્યો હતો. એના અનુસંધાનમાં થાણે પોલીસના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શ્રીકાંત પરોપકારીએ ઍફિડેવિટ દાખલ કરી છે જેમાં જણાવાયું છે કે તેમને એ પોલીસ પ્રોટેક્શન મેળવવાનો અધિકાર પણ નથી અને તેમને સિક્યૉરિટી આપવી એવો કોઈ નિયમ પણ નથી.
ઍફિડેવિટમાં વધુમાં કહેવાયું છે કે સિક્યૉરિટી આપતાં પહેલાં પ્રોસીજર મુજબ ઇન્કવાયરી કરાતી હોય છે અને એ પરથી કેટલું જોખમ છે એ નક્કી કરી તેમને કેટલું અને કેટલો વખત પ્રોટેક્શન આપવું એ નક્કી થતું હોય છે. ઉપરોક્ત કેસમાં પણ અરજદારની સિક્યૉરિટી ઘટાડવાનો નિર્ણય લેતાં પહેલાં પ્રોસીજર ફૉલો કરાઈ હતી અને પોલીસ અધિકારીઓના વિવિધ સ્તરે જેમ કે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ અને થાણે પોલીસ કમિશનર દ્વારા એ બાબતે નિર્ણય લેવાયો હતો. હાલ તેમને દિવસે એક અને રાતે એક પોલીસ-કર્મચારીની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. પહેલાં તેમને દરેક શિફ્ટમાં બે પોલીસ સુરક્ષા-કર્મચારી આપવામાં આવતા હતા. અરજદારનું કહેવું છે કે તેમની સિક્યૉરિટી મનસ્વીપણે ઘટાડવામાં આવી એ સાવ પાયાવિહાણું અને કોઈ પણ યોગ્ય કારણ વગરનું છે અને એને કશાનો આધાર નથી. તેમનું કહેવું છે કે તેમનું પોલીસ પ્રોટેક્શન જાણી જોઈને ઘટાડવામાં આવ્યું છે અને આમ કરી તેમના અને તેમના પરિવાર પર જાનનું જોખમ વધારી દેવાયું છે એ પૂર્ણપણે ખોટું અને આધાર વગરનું છે.
ADVERTISEMENT
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એ. એસ. ગડકરી અને જસ્ટિસ પી. ડી. નાઈકે અરજીની વધુ સુનાવણી ૨૧ ફેબ્રુઆરી પર ઠેલી છે.