સાંસદ ભાવના ગવળીએ સરકારની ત્રિપુટી દ્વારા રાજ્યમાં વિકાસના કામની સાથે સામાન્ય લોકોની સમસ્યાના ઉકેલને ગતિ મળી હોવાનું કહ્યું
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર
મુંબઈ : છેલ્લા કેટલાક દિવસથી ઇન્કમ ટૅક્સ વિભાગની કાર્યવાહીને લીધે ચર્ચામાં રહેલાં એકનાથ શિંદે જૂથનાં સાંસદ ભાવના ગવળી મુશ્કેલીમાં છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં વાશિમ-યવતમાળની બેઠક પર તેમની જગ્યાએ સંજય રાઠોડને ઉમેદવારી આપવાની ચર્ચા શરૂ થઈ છે. આવા સમયે ભાવના ગવળીએ પોતાની બેઠક બચાવવા માટે રાજ્ય સરકારના ટોચના નેતાઓનાં વખાણ કર્યાં છે. તેમણે એકનાથ શિંદેને કર્ણ, અજિત પવારને દબંગ અને દેવેન્દ્ર ફડણવીસને ચાણક્ય કહ્યા છે અને આગામી ચૂંટણીમાં પોતાને જ લોકસભાની ઉમેદવારી આપવામાં આવશે એવો દાવો કર્યો હતો.
રાજ્યભરમાં મહાયુતિ સરકારના કાર્યકરોના મેળા ચાલી રહ્યા છે એમાં રવિવારે યવતમાળમાં પણ આવો મેળો યોજાયો હતો. એ સમયે અહીંનાં સાંસદ ભાવના ગવળીએ ‘મેરી ઝાંસી નહીં દૂંગી’ નારો લગાવ્યો હતો. આમ કહીને તેમણે ફરી આ બેઠક પર પોતાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મને બહેન કહી છે અને તેઓ મારી પાછળ ઊભા છે. નાની બહેન તરીકે પાલકપ્રધાન સંજય રાઠોડને લોકસભાની ચૂંટણી લડવી હોય તો મને તેમના વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી આપે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કામ જોઈને અજિત પવાર મહાયુતિમાં સામેલ થયા. આ દેશનું રાજકારણ તેમણે જોયું.
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર આ રાજ્યની ત્રિમૂર્તિ છે. બચ્ચુ કડુએ ૧૦૦ કરોડ રૂપિયાની માગણી કરતાં મુખ્ય પ્રધાને તરત જ ફાળવ્યા. આવી રીતે તેમની પાસે કોઈ કામ માટેની માગણી કરે છે ત્યારે તેઓ આપી દે છે એટલે તેઓ રાજ્યના દાનવીર કર્ણ છે. સરકાર બનાવવામાં દેવેન્દ્ર ફડણવીસનો સિંહફાળો છે એટલે તેઓ ચાણક્ય છે અને અજિત પવારની દાદાગીરી બધે ચાલે છે એટલે તેઓ દબંગ નેતા છે. આપણે નરેન્દ્ર મોદીને ફરીથી વડા પ્રધાન
બનાવવાના છે.’
આજે ઉદ્ધવ ઠાકરેની મહાપત્રકાર પરિષદ
ઉદ્ધવ ઠાકરેએ આજે વરલીમાં આવેલા એનએસસીઆઇ ડોમમાં જનતાની વચ્ચે મહાપત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. આ પત્રકાર પરિષદમાં સામાન્ય જનતા સમક્ષ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાનો ચુકાદો આપ્યો છે એને વિસ્તારથી ઉપસ્થિત કરવામાં આવશે અને ૨૦૧૮માં શિવસેનાના બંધારણમાં કરવામાં આવેલા ફેરફારની માહિતી આપવામાં આવશે. બાળાસાહેબ ઠાકરેના અવસાન બાદ શિવસેના પક્ષપ્રમુખના અધિકાર અને શિવસેના પક્ષપ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેની ૨૦૧૩માં કરવામાં આવેલી ચૂંટણીના ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવશે. અત્યારના વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર એ સમયે શિવસેનામાં હતા અને તેમની હાજરીમાં પક્ષપ્રમુખની ચૂંટણી થઈ હોવાના પુરાવા રજૂ કરવામાં આવશે. આ મહાપત્રકાર પરિષદના માધ્યમથી ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કાયદાકીય લડતમાં નિષ્ફળતા મળ્યા બાદ હવે જનતા સામે ન્યાય માગવાનો પ્રયાસ કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ અને વિધાનસભાના સ્પીકર સમક્ષ રજૂ કરવામાં આવેલા ડૉક્યુમેન્ટ્સ સિવાય આ જૂથ હવે શું નવી માહિતી જાહેર કરે છે એના પર સૌની નજર રહેશે.
સ્પીકરના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો
દોઢ વર્ષથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શિવસેનામાં ચાલી રહેલો સત્તાસંઘર્ષનો ચુકાદો ૧૦ જાન્યુઆરીએ રાજ્યની વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આપ્યો હતો. તેમણે શિવસેનાનાં બંને જૂથના એક પણ વિધાનસભ્યને અપાત્ર નહોતા ઠેરવ્યા અને પક્ષના બંધારણ મુજબ શિવસેનાના સર્વોચ્ચ નેતા એકનાથ શિંદેને જાહેર કર્યા હતા. આ ચુકાદાથી ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસેનામાંથી આઉટ થઈ ગયું હતું. આ ચુકાદો ગેરકાયદે અને અન્યાય કરનારો છે એમ જણાવીને ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં એને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશનું ચુકાદામાં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એટલે આ બાબતે ન્યાય આપવામાં આવે. ઉદ્ધવ ઠાકરેએ ચુકાદાને પડકારતી અરજી દાખલ કરીને શિવસેનાના સત્તાસંઘર્ષનો મામલો આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સુધી સળગતો રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. નિષ્ણાતોના મતે સ્પીકરે પોતાની સાથે અન્યાય કર્યો છે એમ કહીને ઉદ્ધવ ઠાકરેએ જનતાની સિમ્પથી મળી શકે છે એને ધ્યાનમાં રાખીને ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
બીજી બાજુ, ઉદ્ધવ ઠાકરે ગ્રુપની પહેલાં જ એકનાથ શિંદે ગ્રુપના ચીફ વ્હિપ ભરત ગોગાવલેએ શુક્રવારે સ્પીકરના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના વિધાનસભ્યોને અપાત્ર જાહેર ન કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે આ કેસની સુનાવણી ૨૨મી જાન્યુઆરીએ થવાની છે.
પંદર દિવસમાં ફરી રાજકીય ધરતીકંપ?
કૉન્ગ્રેસના કટ્ટર સમર્થક મિલિંદ દેવરાએ શિવસેનામાં પ્રવેશ કર્યો છે ત્યારે આગામી પંદર દિવસમાં મોટી રાજકીય ઊથલપાથલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને ગ્રામવિકાસપ્રધાન ગિરીશ મહાજને ગઈ કાલે દાવો કર્યો હતો કે ‘આગામી બે અઠવાડિયાંમાં મોટો રાજકીય ભૂકંપ આવશે. કૉન્ગ્રેસ જ નહીં, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથના નેતાઓ પાલો બદલશે. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એવા નેતાઓ બીજેપીમાં જોડાશે.’ જળગાવમાં શ્રીકૃષ્ણ લૉનમાં ગઈ કાલે પાર પડેલા કાર્યકરોના મેળા બાદ ગિરીશ મહાજને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મિલિંદ દેવરાએ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપવાની સાથે આગામી ૧૫ દિવસમાં કૉન્ગ્રેસને મોટો ફટકો પડવાનો છે. આ પક્ષના અનેક વિધાનસભ્યો, સાંસદ અને પદાધિકારી બીજેપીના સંપર્કમાં છે. આથી કૉન્ગ્રેસમાં ભારે ઊથલપાથલ જોવા મળશે. એટલું જ નહીં, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ પણ સત્તાધારી પક્ષોમાં આવશે.’