મુલુંડમાં દીકરી પર થતા હતા આવા અધમ અત્યાચાર : કંટાળીને પપ્પાએ દીકરીના સારા માટે પત્ની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી : માતા ૧૧ વર્ષની દીકરીને સતત રૂમમાં પૂરી રાખતી અને જમવાનુંય નહોતી આપતી
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મુંબઈ : મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર આવેલા હાઇરાઇઝ ટાવરમાં રહેતી એક માતા તેની ૧૧ વર્ષની પુત્રીને રૂમમાં પૂરી રાખતી, કેટલાક દિવસો સુધી જમવાનું નહોતી આપતી અને ગંદી-ગંદી ગાળો આપતી હતી. આની ફરિયાદ દીકરીએ તેના પિતાને કરી હતી. એ પછી પિતાએ તેની પત્નીની વિરુદ્ધમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રાથમિક ઘટનાની માહિતી લીધા પછી પુત્રીની માતાની વિરુદ્ધમાં નાનાં બાળકો પર અત્યાચાર સંબંધી ફરિયાદ નોંધી છે.
મુલુંડ-વેસ્ટના એલબીએસ રોડ પર નિર્મલ લાઇફસ્ટાઇલ પાસેના એક પૉશ ટાવરમાં રહેતા ૧૧ વર્ષની દીકરીના પિતાએ કરેલી ફરિયાદ અનુસાર ૨૦૨૦માં તેમનાં ભાઈ, ભાભી અને માતા કલકત્તાથી તેમના ઘરે રોકાવા માટે આવ્યાં હતાં. એ સમયે લૉકડાઉન શરૂ થઈ જતાં કેટલોક વખત બધા લોકો તેમની સાથે જ રહ્યા હતા. દરમ્યાન તમામ સાથે તેમની પત્નીએ ખૂબ ઝઘડા કર્યા હતા. એ પછી તમામ લોકોનો ગુસ્સો ૧૧ વર્ષની પુત્રી પર ઉતારવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, પુત્રીની મારઝૂડ કરવાની સાથે તેને મોટા પ્રમાણમાં અપશબ્દો પણ કહ્યા હતા. કિશોરીને કોઈ કારણ વગર રૂમમાં બંધ કરવી, તેને કેટલાક દિવસો સુધી જમવાનું ન આપવું એવા એક પછી એક અનેક અત્યાચાર કિશોરી પર ગુજાર્યા હતા. આ સંબંધે કેટલીયે વાર પત્નીને સમજાવવામાં પણ આવી હતી. જોકે એ પછી પાણી માથા પરથી ચાલ્યું જતાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ADVERTISEMENT
મુલુંડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પ્રાથમિક માહિતીના આધારે પુત્રીની માતા સામે અમે જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમની કલમ ૭૫ હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.