થાણેમાં છ વર્ષ પહેલાં થયેલી કચ્છી ભાનુશાલી મહિલાની હત્યાના કેસમાં સાસુને આજીવન કેદની સજા, પતિને દોષમુક્ત કરવામાં આવ્યો
પ્રતીકાત્મક તસવીર
થાણેના વાગળે એસ્ટેટમાં રઘુનાથનગરમાં રહેતી ૩૦ વર્ષની દક્ષા અશોક મંગેની ૨૦૧૮ની ૧૩ એપ્રિલે થયેલી હત્યાના કેસમાં બુધવારે થાણેની સેશન્સ કોર્ટે દક્ષાનાં ૭૬ વર્ષનાં સાસુ જમનાબહેનને આજીવન કેદની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યાં હતાં. આ કેસમાં સાસુ જમનાબહેન લગ્નના પહેલા જ દિવસથી દક્ષાને માનસિક અને શારીરિક તકલીફ આપતાં હતાં અને ૨૦૧૮ની ૧૩ એપ્રિલે તેમણે દક્ષાનો હાથ પકડી રસોડામાં ખેંચી જઈ તેના પર કેરોસીન રેડીને તેની હત્યા કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. એના પર થાણેની સેશન્સ કોર્ટના જજ ડી. એસ. દેશમુખે બુધવારે નિર્ણય આપીને આ જ કેસમાં બીજા નંબરના આરોપી દક્ષાના પતિ અશોકને દોષમુકત કર્યો હતો.
દક્ષાની ૧૦ વર્ષની પુત્રીના સ્ટેટમેન્ટે આ કેસમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો એમ જણાવતાં વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શિવાજી ગવારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૩ એપ્રિલે દક્ષાને તેની સાસુ જમનાબહેન સાથે કોઈ વાતે વિવાદ થયો હતો જેનાથી ઉશ્કેરાઈને જમનાબહેને દક્ષાનો હાથ પકડી તેને રસોડામાં લઈ જઈ તેના પર કેરોસીન નાખીને તેને જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે ઘરમાં દક્ષાની ૧૦ વર્ષની પુત્રી પણ હતી અને તેણે આવું થતું હોવાનું જોયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક દક્ષાને નજીકમાં આવેલી પૂજા હૉસ્પિટલમાં ઇલાજ માટે લઈ જવામાં આવી હતી, જ્યાં તેનો ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ઇલાજ કરવામાં આવ્યો હતો. જોકે એ સમયે દક્ષા આશરે ૭૦ ટકા દાઝી ગઈ હોવાથી તેનું ઇલાજ દરમ્યાન મૃત્યુ થયું હતું. આ દરમ્યાન જ તેનું સ્ટેટમેન્ટ પણ એ સમયના ઑફિસરે નોંધ્યું હતું. જોકે આ કેસમાં તેની પુત્રીએ આપેલા સ્ટેટમેન્ટે મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને કોર્ટે તેનાં દાદી જમનાબહેનને સજા કરી છે.’
ADVERTISEMENT
દીકરો શું કહે છે?
જો મારી માતાએ હત્યા કરી હોત તો તેને સજા અપાવવા માટે હું પોતે કોર્ટને વિનંતી કરત એમ જણાવતાં દક્ષાના પતિ અશોક મંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના સમયે મારી માતાની ઉંમર ૭૦ વર્ષની હતી અને દક્ષાની ઉંમર ૩૦ વર્ષની હતી એટલે મારી માતામાં એટલી તાકાત કઈ રીતે હોઈ શકે કે દક્ષાને ખેંચીને તેના પર કેરોસીન નાખી શકે. આ નિર્ણયથી હું નાખુશ છું અને કોર્ટના નિર્ણય સામે ઉપલી કોર્ટમાં મારી માતાના કેસ માટે અરજી કરીશ.’