ડ્રાઇવરનાં બ્લડ-સૅમ્પલ લઈ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. એ ઉપરાંત અકસ્માત પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાલ ચોક વિસ્તારમાં ઊભેલી ટ્રક.
કલ્યાણ-વેસ્ટના ખડકપાડા વિસ્તારમાં રહેતી નિશા સોમેસ્કર તેના પુત્ર અંશ સાથે ગઈ કાલે બપોરે સ્કૂલમાંથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે કલ્યાણના લાલ ચોકી વિસ્તારમાં પૂરપાટ વેગે આવતા ટ્રકની અડફેટે આવતાં અકસ્માતમાં બન્નેનાં મૃત્યુ થયાં હતાં. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની કચરો અને માટી વહન કરતી ટ્રકે બન્નેને અડફેટે લીધા હોવાની પ્રાથમિક માહિતી સામે આવ્યા બાદ કલ્યાણના બાઝારપેઠ પોલીસે ટ્રક-ડ્રાઇવર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રાઇવરનાં બ્લડ-સૅમ્પલ લઈ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. એ ઉપરાંત અકસ્માત પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા તેના પુત્ર સાથે રોડ ક્રૉસ કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બન્નેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યા છે એમ જણાવતાં બાઝારપેઠ
પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશરે સાડાબાર વાગ્યાની આસપાસ મહિલા તેના પુત્રને સ્કૂલમાંથી લઈ લાલ ચોક વિસ્તારમાંથી ચાલતી પોતાના ઘરે આવી રહી હતી એ સમયે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ અમે ટ્રકચાલકની ધરપકડ કરી છે. માતા અને બાળકની ઓળખ નિશા સોમેસ્કર અને અંશ તરીકે થઈ છે. આ ટ્રક KDMCનાં કામો માટે વાપરવામાં આવી હતી. જોકે એનું ઇન્શ્યૉરન્સ પૂરું થયું હોવાની જાણકારી અમને મળી છે. આ કોની ટ્રક છે અને કૉન્ટ્રૅક્ટ પર લેવા પહેલાં એના જરૂરી દસ્તાવેજો લેવામાં આવ્યા હતા કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. જોકે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી અમારી ટીમે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. આ મામલે અમે વધુ તપાસ હાથ ધરી છે.’