આ રહસ્યમય બનાવમાં પુત્રનો મૃતદેહ બેડરૂમમાં પંખા પર લટકતો મળ્યો હતો અને માતાનો મૃતદેહ હૉલના બેડ પર મળ્યો હતો
વિક્રોલીની ગુલમહોર સોસાયટી, જ્યાં આ બનાવ બન્યો
વિક્રોલી (ઈસ્ટ)ના કન્નમવાર નગરમાં આવેલી ગુલમહોર સોસાયટીના બીજા માળે આવેલા ફ્લૅટ-નંબર ૨૦૩માં માતાનો લિવિંગ રૂમમાંથી અને પુત્રનો બેડરૂમમાંથી મૃતદેહ મળતાં આખા વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી. આ રહસ્યમય બનાવમાં પુત્રનો મૃતદેહ બેડરૂમમાં પંખા પર લટકતો મળ્યો હતો અને માતાનો મૃતદેહ હૉલના બેડ પર મળ્યો હતો. વિક્રોલી પોલીસ ગઈ કાલે સાંજ સુધી માતા-પુત્રના મૃત્યુના રહસ્યની કડી મેળવવામાં લાગી હતી.
આ બનાવની માહિતી આપતાં વિક્રોલી પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સપેક્ટર શુભદા ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે અમને ગુલમહોર સોસાયટીમાં માતા અને પુત્રના સાથે મૃત્યુ થવાના કન્ટ્રોલ તરફથી સમાચાર મળ્યા હતા. આ સોસાયટીના ફ્લૅટ-નંબર ૨૦૩માં ૬૦ વર્ષના સંજય ગજાનન તાવડે તેની ૫૪ વર્ષની પત્ની ઉમા કે જે કમ્પાઉન્ડરની નોકરી કરે છે અને ૨૨ વર્ષનો અભિષેક સાથે રહેતા હતા. અમારી પોલીસ ટીમ પહોંચી ત્યારે અભિષેકનો મૃતદેહ બેડરૂમમાં પંખા સાથે દોરીથી બાંધેલો લટકતો મળ્યો હતો. તેણે કદાચ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે કોઈ કામ નહોતો કરતો, જ્યારે તેની માતા ઉમા ફ્લૅટના બહારના હૉલમાં બેભાન હાલતમાં મળી આવી હતી. ઉમાને રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા લઈ જવામાં આવી હતી. જોકે એ પહેલાં જ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અમે ઉમાના પતિ સંજય તાવડેનું સ્ટેટમેન્ટ લઈને તેમને કોઈના પર શંકા ન હોવાથી અપમૃત્યુનો કેસ નોંધીને તપાસ કરી રહ્યા છીએ. બંને ડેડ-બૉડીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું રહસ્ય બહાર આવશે.’