ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મુખ્યમંત્રી મેડિકલ હેલ્પ સેન્ટર દ્વારા સહાય કરવામાં આવી: 86505 67567 આ ટોલ-ફ્રી નંબર પર કૉલ કરીને મેડિકલ સહાય માટેની અરજી કરી શકો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
મહારાષ્ટ્રમાં વિવિધ પ્રકારની બીમારીથી પીડાતા ગરીબ દરદીઓને મેડિકલ હેલ્પ કરવા માટે મુખ્યમંત્રી મેડિકલ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એકનાથ શિંદે મહાયુતિના મુખ્ય પ્રધાન બન્યા બાદનાં બે વર્ષ અને બે મહિનાના સમયમાં આ સેન્ટર દ્વારા ૪૦,૦૦૦ ગરીબ અને જરૂરિયાતમંદ દરદીઓને ૩૨૧ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મુખ્યમંત્રી મેડિકલ હેલ્પ સેન્ટરમાંથી મદદ મેળવવા માટે કોઈએ મંત્રાલય કે બીજા કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. ઑનલાઇન ઉપરાંત 86505 67567 ટોલ-ફ્રી નંબર પર કૉલ કરીને અરજી કરી શકાય છે. બે વર્ષ અને બે મહિનામાં ગંભીર બીમારીથી પીડાતા દરદીઓની સારવારની સાથે સર્જરી કરવામાં આવી હોવાથી મુખ્યમંત્રી મેડિકલ હેલ્પ સેન્ટર મહારાષ્ટ્રની જનતા માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે. ઉલ્લેખનીય છે કે મહા વિકાસ આઘાડીની સરકારે બંધ કરેલા મુખ્યમંત્રી મેડિકલ હેલ્પ સેન્ટરને એકનાથ શિંદેએ સત્તામાં આવ્યા બાદ તરત જ શરૂ કરાવ્યું હતું. મુખ્યમંત્રી મેડિકલ હેલ્પ સેન્ટરના ઇન્ચાર્જ મંગેશ ચિવટેના જણાવ્યા મુજબ ઍન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, કૅન્સરની સર્જરી, કીમોથેરપી, ડાયાલિસિસ, જન્મથી મૂક-બધિર બાળકોની વિવિધ ઇમ્પ્લાન્ટ સર્જરી, અવયવ પ્રત્યારોપણ સર્જરી, રોડ-ઍક્સિડન્ટ, કરન્ટ લાગવો, દાઝી ગયેલા દરદીઓની સારવારનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
એક વર્ષની દુઆ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર
ADVERTISEMENT
કોલ્હાપુર જિલ્લાના કાગલ તાલુકાના ગામમાં રહેતી ફરહીન સાદિક મુકુબાઈ નામની મુસ્લિમ મહિલાને ત્યાં એક બાળકીનો જન્મ થયો હતો. જન્મના તેર દિવસ બાદ આ બાળકીને શ્વાસની ગંભીર બીમારી થઈ હતી. દંપતી અત્યંત ગરીબ હોવાથી તેમની પાસે પુત્રીની સારવારના રૂપિયા નહોતા. એવામાં કોઈકે તેમને મુખ્યમંત્રી મેડિકલ હેલ્પ સેન્ટરમાં અરજી કરવાનું કહ્યું. આથી તેમણે આવી અરજી કરતાં તાત્કાલિક સારવાર મળતાં પુત્રીનો જીવ બચી ગયો હતો. સારવાર પછીના છ મહિના બાદ શાસન તમારે દ્વારે કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કોલ્હાપુરમાં પહોંચ્યા ત્યારે મુસ્લિમ દંપતીએ પોતાની બાળકીને મુખ્ય પ્રધાનના હાથમાં સોંપી હતી અને તેનું નામ દુઆ આપવાની વિનંતી કરી હતી. આથી એક લાખ લોકોની સાક્ષીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બાળકીનું નામ દુઆ રાખ્યું હતું અને તેને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર જાહેર કરી હતી.