આગરામાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસે હિન્દવી સ્વરાજના સ્થાપકનું ભવ્ય-દિવ્ય સ્મારક બનાવવાની કરી જાહેરાત
બુધવારે આગરા ફોર્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ અને વિકી કૌશલ.
આગરામાં છત્રપતિ શિવાજી મહારાજને જે જગ્યાએ કેદમાં રાખવામાં આવ્યા હતા એ જગ્યાએ તેમનું સ્મારક બનાવવાની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાત્રે આગરામાં કરી હતી. તેઓ છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે રાખવામાં આવેલા કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે ઍક્ટર વિકી કૌશલ પણ હાજર હતો.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આગરામાં છત્રપતિ શિવાજી મહારાજનું એક ભવ્ય-દિવ્ય સ્મારક બનશે. હું યોગીજીને પ્રાર્થના કરું છું કે તમે અમને એની પરવાનગી આપો. મહારાષ્ટ્ર સરકાર જમીન ખરીદવા તૈયાર છે. હું કસમ ખાઈને કહું છું કે એક વાર આ સ્મારક બન્યા બાદ તાજમહલ કરતાં વધારે લોકો એને જોવા ન આવે તો મારું નામ બદલી નાખજો.’ શિવાજી મહારાજને જ્યાં રાખવામાં આવ્યા હતા એ આગરા કોઠી અત્યારે મીના બાઝારના નામે જાણીતી છે.

