મુંબઈમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા : પુણે-સાતારામાં રેડ અલર્ટ
ફાઈલ તસવીર
મુંબઈ સહિત પાલઘર અને રાયગઢમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે ગઈ કાલે વ્યક્ત કરી હતી. રાજ્યના પુણે અને સાતારામાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વિભાગે અહીં રેડ અલર્ટ જારી કરી હતી. જોકે મંગળવાર બાદ વરસાદનું જોર ઓછું થઈ શકે છે.
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘પશ્ચિમી મહારાષ્ટ્રમાં પુણે, કોલ્હાપુર, સાતારા અને સાંગલી વગેરે જિલ્લાઓના આકાશમાં હવાનું દબાણ નિર્માણ થવાથી અહીં ભારે વરસાદ થવાની શક્યતા છે. આની અસર મુંબઈ, પાલઘર અને રાયગઢ જિલ્લામાં પણ જોવા મળશે. પુણે અને સાતારામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે એટલે અહીં રેડ અલર્ટ જારી કરાઈ છે.’
ADVERTISEMENT
રાજ્યના ઉત્તર, મધ્ય અને વિદર્ભ વગેરે વિભાગમાં પણ આજથી ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જે ગુરુવાર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આથી અહીં વરસાદને કારણે કોઈ નુકસાન ન થાય એ માટે તંત્રને સાબદું કરવાની ચેતવણી આપવામાં આવી છે.
મુંબઈમાં હવામાન ખાતાએ રવિવાર અને સોમવારે ભારે વરસાદની આગાહી કરી હતી, પરંતુ ગઈ કાલે કેટલેક સ્થળે જોરદાર ઝાપટાં જ પડ્યાં હતાં. કોલાબામાં ગઈ કાલે સાંજના ૬ વાગ્યા સુધી નજીવો ૨ મિ.મી. તો સાંતાક્રુઝમાં ૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જોકે આજે કેટલેક સ્થળે નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા છે.

