રાજ ઠાકરેએ આ વિસ્તારની BDD ચાલ અને પોલીસ કૉલોની સહિતના પ્રશ્ને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત કરતાં અટકળો શરૂ થઈ
આદિત્ય ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ બે દિવસ પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત કરીને વરલીની BDD ચાલ અને પોલીસ કૉલોની સહિતના પ્રશ્ને ચર્ચા કરી હતી. આ સિવાય લોકસભાની ચૂંટણીમાં વરલી વિધાનસભામાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ઉમેદવાર અરવિંદ સામંતને માત્ર ૬૭૧૫ મતની લીડ મળી હતી. ૨૦૧૯માં આદિત્ય ઠાકરેનો ભારતીય જનતા પાર્ટી સાથેની યુતિમાં ૬૨,૨૪૭ મતના માર્જિનથી વિજય થયો હતો. આની સામે ૨૦૧૭ની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં વરલી વિધાનસભા બેઠકમાં ૩૩,૦૦૦ મત MNSને મળ્યા હતા. આથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં MNSના પ્રવક્તા સંદીપ દેશપાંડેને આદિત્ય ઠાકરે સામે ઉતારાય એવી શક્યતા છે. રાજ ઠાકરેની મુલાકાત બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વરલીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.