મોદી ૩.૦ સરકારની શપથવિધિમાં આમંત્રિત ન કરવામાં આવ્યા એટલે MNSના કાર્યકરો નારાજ
રાજ ઠાકરે સાથે શિવસેનાના થાણે બેઠકના નવનિર્વાચિત સંસદસભ્ય નરેશ મ્હસ્કે
લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રની મહાયુતિના ઉમેદવારોને સમર્થન આપવાની સાથે જાહેરસભા પણ કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેને નરેન્દ્ર મોદી ૩.૦ સરકારની શપથવિધિમાં આમંત્રિત ન કરવામાં આવતાં પક્ષના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ત્રણ નેતાઓએ બે કલાકના અંતરે રાજ ઠાકરેના ઘરે જઈને મુલાકાત કરી હતી એટલે એ રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઈ કાલે સવારે મહારાષ્ટ્ર સરકારના આરોગ્યપ્રધાન તાનાજી સાવંત સૌથી પહેલાં રાજ ઠાકરેના શિવાજી પાર્કમાં આવેલા નિવાસસ્થાન શિવતીર્થ પહોંચ્યા હતા. એ બાદ શિવસેનાના વિધાન પરિષદની મુંબઈ ગ્રૅજ્યુએટ્સ બેઠકના ઉમેદવાર ડૉ. દીપક સાવંતે રાજ ઠાકરેની મુલાકાત કરી હતી. આ બન્ને નેતાઓ શા માટે શિવતીર્થ ગયા હતા એ જાણવા નહોતું મળ્યું. જોકે ત્યાર બાદ શિવસેનાના થાણે બેઠકના નવનિર્વાચિત સંસદસભ્ય નરેશ મ્હસ્કે પણ રાજ ઠાકરેને મળ્યા હતા. તેમણે રાજ ઠાકરેની મુલાકાત બાદ પત્રકારોને કહ્યું હતું કે ‘મેં રાજ ઠાકરેના નેતૃત્વમાં રાજકારણની શરૂઆત કરી હતી એટલે સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમને મળવા ગયો હતો. તેમણે થાણેમાં જાહેરસભા કરવાથી અમને ફાયદો થયો છે એટલે મેં તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.’