મુખ્ય પ્રધાનના વર્ષા બંગલામાં બન્ને નેતાઓ વચ્ચે આ બાબતે ચર્ચા થઈ હોવાની અટકળ
વર્ષા બંગલામાં ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને રાજ ઠાકરે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેએ ગઈ કાલે સવારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેમના વર્ષા બંગલામાં જઈને મુલાકાત કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની નવરાત્રિમાં જાહેરાત થવાની છે ત્યારે રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત કરતાં જાતજાતની અટકળો શરૂ થઈ છે. શનિવારે રાજ ઠાકરેએ વરલીમાં કાર્યક્રમ કરીને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સામે સંદીપ દેશપાંડે ચૂંટણી લડશે એવો સંકેત આપ્યો હતો તો બીજી તરફ MNSના પદાધિકારીઓની બેઠકમાં અમિત ઠાકરેને ચૂંટણીમાં ઉતારવાની માગણી ગયા અઠવાડિયે કરવામાં આવી હતી. આ બન્ને બાબતો ઉપરાંત બીજી કેટલીક ચર્ચા રાજ ઠાકરેએ એકનાથ શિંદે સાથે કરી હોવાનું કહેવાય છે. સૂત્રો મુજબ અમિત ઠાકરેને કોંકણી મતદારોની વસ્તી ધરાવતા માહિમમાં સહયોગ આપવા બાબતે રાજ ઠાકરેએ એકનાથ શિંદેને કહ્યું છે. માહિમ વિધાનસભામાં અત્યારે એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા સદા સરવણકર વિધાનસભ્ય છે. તેમને સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે એટલે માહિમની બેઠક MNSને ફાળવવાની માગણી રાજ ઠાકરેએ કરી હોવાનું કહેવાય છે. રાજ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મ ‘એક નંબર’નું ટ્રેલર બુધવારે લૉન્ચ થવાનું છે ત્યારે લૉન્ચના કાર્યક્રમનું આમંત્રણ પણ આપ્યું હોવાની ચર્ચા છે.