Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જેલમાં જવાના ડરથી અજિત પવાર બીજેપી સાથે ગયા?

જેલમાં જવાના ડરથી અજિત પવાર બીજેપી સાથે ગયા?

17 August, 2023 10:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમએનએસના ચીફ રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે દિવસે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ એનસીપી પર કર્યો હતો એના બીજા દિવસથી આ પક્ષના નેતાઓ બીજેપી સાથે સત્તામાં સામેલ થયા હોવાનું કહ્યું

ગઈ કાલે પનવેલના કાર્તિકારી વાસુદેવ બળવંત ફડકે નાટ્યગૃહમાં પાર્ટીના કાર્યકરોને સંબોધી રહેલા એમએનએસના વડા રાજ ઠાકરે (તસવીર : સમીર માર્કન્ડે)

ગઈ કાલે પનવેલના કાર્તિકારી વાસુદેવ બળવંત ફડકે નાટ્યગૃહમાં પાર્ટીના કાર્યકરોને સંબોધી રહેલા એમએનએસના વડા રાજ ઠાકરે (તસવીર : સમીર માર્કન્ડે)


મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે એનસીપીના નેતા અજિત પવાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે રસ્તામાં પડેલા ખાડા બાબતે બીજેપી અને ઉદ્ધવ ઠાકરે જૂથને પણ આડે હાથ લીધાં હતાં. છગન ભુજબળે તેમના જેલના અનુભવો કહ્યા બાદ અજિત પવારે બીજેપી સાથે સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો હોવાનું રાજ ઠાકરેએ કહ્યું હતું.


એમએનએસ દ્વારા મુંબઈ નજીકના પનવેલમાં આયોજિત નિર્ધાર શિબિરમાં રાજ ઠાકરેએ મુંબઈના રસ્તા અને મુંબઈ-ગોવા હાઇવેના ગોકળગાયની ગતિએ ચાલી રહેલા કામની સાથે અજિત પવાર, બીજેપી અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓને નિશાના પર લીધા હતા.



રાજ ઠાકરેએ તેમના ભાષણમાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનસીપી પર ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપ કર્યા બાદ આ પક્ષના અજિત પવાર સહિતના નેતાઓ બીજેપી સાથે સત્તામાં સામેલ થયા. કદાચ છગન ભુજબળે તેમને કહ્યું હશે કે જેલમાં શું-શું હોય છે. હું હમણાં જેલમાં જઈને આવ્યો છું એટલે હવે જેલમાં જવાને બદલે બીજેપી સાથે જઈશું તો સારું રહેશે. આથી આ નેતાઓ અંદર જવાને બદલે બીજેપી સાથે જવામાં જ ફાયદો છે એમ વિચારીને સત્તામાં સહભાગી થયા હશે. અજિત પવારે કહ્યું છે કે મહારાષ્ટ્રના વિકાસ કરવા માટે સત્તામાં ગયો છું. શું કહો છો? વડા પ્રધાને ૭૦,૦૦૦ કરોડના કૌભાંડની યાદ કરાવતાં તમે કાયદાકીય કાર્યવાહીથી બચવા સત્તામાં સામેલ થયા.’


અજિત પવાર અને શરદ પવાર વચ્ચે પુણેમાં ગુપ્ત બેઠક મળવા બાબતે રાજકારણ ગરમ છે. પુણેમાં શરદ પવાર સાથેની મુલાકાત બાદ અજિત પવાર મીડિયાથી બચવા માટે કારમાં છુપાઈને ગયા હોવાનો આરોપ છે. જોકે અજિત પવારે કહ્યું છે કે એ કારમાં તેઓ નહોતા. આ બાબતે અજિત પવારની નકલ કરતાં રાજ ઠાકરેએ તેમની મશ્કરી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘અજિત પવાર કહે છે કે તે હું નહોતો, તે હું નહોતો. તમે જ જુઓ, બીજેપી સાથે જનારા હવે ગાડીમાં સૂઈને જાય છે. તે હું નહોતો એમ કહેતાં પહેલાં શરમ આવવી જોઈએ.’

સમૃદ્ધિ હાઇવે પર નાશિક ખાતે ટોલનાકા પર એમએનએસના યુવા નેતા અમિત ઠાકરેની કાર રોકવામાં આવતાં એમએનએસના સૈનિકોએ ટોલનાકાની તોડફોડ કરી હતી. આ મામલે બીજેપીએ એનએનએસની ટીકા કરી હતી. ટોલનાકું તોડવાને બદલે રસ્તા અને ટોલનાકાં બાંધવાનું શીખો એવી ટકોર બીજેપીએ કરી હતી. આ વિશે રાજ ઠાકરેએ કહ્યું હતું કે હું પણ બીજેપીને કહું છું કે બીજા પક્ષના વિધાનસભ્યોને ફોડીને પોતાના પક્ષને મોટો કરવાને બદલે પોતે પોતાના પક્ષને મજબૂત કરવાનું શીખો.


પનવેલમાં ક્રાંતિવીર વાસુદેવ બળવંત ફડકે નાટ્યગૃહમાં રાજ ઠાકરેએ રસ્તામાં પડતા ખાડા બાબતે એમએનએસ હવે આંદોલન છેડશે એવી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ આંદોલનને લીલી ઝંડી બતાવવા જ અહીં આવ્યો છું. હકીકતમાં ચંદ્રયાનને ચંદ્રને બદલે મહારાષ્ટ્રમાં મોકલવાની જરૂર હતી. ચંદ્ર પરના ખાડા તેમને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા હોત. મુંબઈ-ગોવા હાઇવેનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવે એ માટેનું આંદોલન આજથી શરૂ કરવામાં આવશે.’

રામનો વનવાસ ૧૪ વર્ષે પૂરો થયો હતો, પણ મુંબઈ-ગોવા નૅશનલ હાઇવેનું કામ શરૂ થયાને ૧૬ વર્ષ થયાં હોવા છતાં પૂરું નથી થઈ રહ્યું. આ વિશે રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘રામ વનવાસમાં ગયા, સીતાને લઈને, રામસેતુ બાંધીને, રાવણને હરાવીને અયોધ્યા ૧૪ વર્ષમાં પાછા આવ્યા હતા; પરંતુ આ હાઇવેનું કામ ૧૬ વર્ષ બાદ પણ પૂરું નથી થઈ રહ્યું. સરકારને શરમ આવવી જોઈએ.’
રાજ ઠાકરેએ બીજેપી અને એનસીપી પર આકરા પ્રહાર કર્યા હતા. આમ કહીને બીજેપીએ યુતિ કરવાની આપેલી ઑફર એમએનએસ સ્વીકારશે નહીં એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. 

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2023 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK