શરદ પવાર કે બીજેપી શિવસેના ખતમ કરી રહ્યા હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે એમએનએસના અધ્યક્ષે પિતરાઈ ભાઈને જવાબદાર ગણાવ્યા
ફાઇલ તસવીર
બાળાસાહેબ ઠાકરેના રાજકીય વારસદાર ગણાતા રાજ ઠાકરેએ એક મરાઠી ન્યુઝ-ચૅનલ સાથે બે દિવસ પહેલાં કરેલી વાતચીતમાં પહેલી વખત ખૂલીને કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરે લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા, જ્યારે ઉદ્ધવ ઠાકરે બોલે છે કંઈક અને કરે છે જુદું. મારા સહિત નારાયણ રાણે, છગન ભુજબળ, એકનાથ શિંદે સહિતના નેતાઓએ તેમના કારણે જ શિવસેના છોડી હતી. આથી શિવસેનામાં ફૂટ પડવા માટે શરદ પવાર કે બીજેપી નહીં ખુદ ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ મરાઠી ન્યુઝ-ચૅનલ ઝી ૨૪ તાસ સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે પર વિશ્વાસ કરવા જેવો નથી, કારણ કે આ માણસ બોલે છે કંઈક અને કરે છે કંઈક. આખો દેશ અને મહારાષ્ટ્ર તેમને જેટલું નથી જાણતો એનાથી વધુ હું ઉદ્ધવ ઠાકરેને જાણું છું. તેમના વર્તાવ અને સ્વભાવને લીધે શિવસેનામાં વારંવાર ફૂટ પડી છે. બીજાઓ ભલે કહેતા હોય કે શરદ પવાર અને બીજેપીને લીધે શિવસેનામાં ભંગાણ થયા છે તો એ હું માનવા તૈયાર નથી, કારણ કે હું જાણું છું કે આના માટે બીજા કોઈ નહીં ખુદ ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે.’
ADVERTISEMENT
એકનાથ શિંદે સહિત વિધાનસભ્યો અને સંસદસભ્યોએ બળવો કરવાથી માતોશ્રી સંકટમાં હોવાનું કહેવાય છે. આ વિશે રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘માતોશ્રી એ એક વાસ્તુ છે અને શિવસેના એક સંગઠન છે. વાસ્તુ ત્યાં જ છે એટલે એને કોઈ મુશ્કેલી નથી. સમસ્યા સંગઠનની છે અને જે માણસ સંસ્થાપક હતા તે આજે શિવસેનામાં નથી. એટલું જ નહીં, તે માણસના વિચાર આજે શિવસેનાના સંગઠનમાં અને પક્ષમાં જોવા મળતા નથી.’
ઉદ્ધવ કંઈ સાંભળવા જ તૈયાર નથી : ગુલાબરાવ પાટીલ
કટ્ટર શિવસૈનિક ગુલાબરાવ પાટીલે પહેલી વખત ઉદ્ધવ ઠાકરે બાબતે નારાજગી વ્યક્ત કરી છે. ગઈ કાલે તેમણે કહ્યું હતું કે ‘એકનાથ શિંદે સહિતના શિવસેનાના વિધાનસભ્યો ગુવાહાટીમાં હતા ત્યારે હું માતોશ્રીમાં હતો, પણ શિવસેના-પ્રમુખ કંઈ સાંભળવા જ તૈયાર નહોતા એટલે હું પણ એકનાથ શિંદેના સમર્થનમાં ગયો હતો. નેતાએ કાર્યકરોનું સાંભળવું જોઈએ. અમે લોકોની વચ્ચે રહીને કામ કરીએ છીએ. ગામનો સરપંચ પણ તેના સભ્યોનું સાંભળે છે.’