મુંબઈ અને એની આસપાસ મહત્ત્વનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના પ્રોજેક્ટ તૈયાર કરતી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઓથૉરિટી (MMRDA)ના અત્યારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈ અને એની આસપાસ મહત્ત્વનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના પ્રોજેક્ટ તૈયાર કરતી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઓથૉરિટી (MMRDA)ના અત્યારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધે એ માટે MMRDAના કમિશનરે ટ્રાફિક-વિભાગના કમિશનર અને એન્જિનિયર સાથે બેઠક યોજીને ૧૭ પરવાનગી મંજૂર કરાવી લીધી છે જેને લીધે ૯ મહત્ત્વના પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી શકશે.
MMRDAએ કોઈ પણ પ્રોજેક્ટ માટે ઘણી એજન્સીઓની પરવાનગી લેવી પડે છે જેમાં મુંબઈ ટ્રાફિક-પોલીસનો પણ સમાવેશ છે. ટ્રાફિક-પોલીસ પાસેથી ઘણી બધી પરવાનગી મળવાની બાકી હોવાથી અમુક પ્રોજેક્ટનું કામ મંદ ગતિથી ચાલી રહ્યું હતું, જેમાં લિન્ક રોડ પરની મેટ્રો-2B ( અંધેરીના ડી. એન. નગરથી મંડાલે) સહિત મેટ્રોની અન્ય મહત્ત્વની લાઇનો અને શિવડી-વરલી કનેક્ટરનો પણ સમાવેશ થતો હતો એથી MMRDAના કમિશનર ડૉ. સંજય મુખરજીએ તેમના એન્જિનિયર્સ અને જૉઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) અનિલ કુંભારે સાથે બેઠક કરીને ૧૭ પરવાનગી મેળવી હતી.