ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં લોકોને વિસ્થાપિત કરવામાં વર્ષોનાં વર્ષો નીકળી જતાં હોવાથી સરકારે PAPનું પુનર્વસન કરવા તેમ જ તેમને આર્થિક વળતર આપવા માટે વ્યાપક પૉલિસી બનાવી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ચાલી રહેલા મેટ્રો રેલ, મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક, શિવરી-વરલી એલિવેટેડ કૉરિડોર સહિતના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવી રહેલી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ એના પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં આવી રહેલી સમસ્યાઓ જેમાં મુખ્યત્વે પ્રોજેક્ટ અફેક્ટેડ પર્સન્સ (PAP)ને આપવામાં આવતા વળતરની બાબત મુખ્ય હતી એનો નિવેડો લાવવા હવે વ્યાપક પૉલિસી બનાવી છે. આ પૉલિસી અંતર્ગત એ લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનો વિકલ્પ તો હશે જ, પણ જો એ જગ્યા તેમને સ્વીકાર્ય નહીં હોય તો આર્થિક વળતરનો વિકલ્પ પણ આપવામાં આવશે. જોકે આ વ્યાપક પૉલિસીમાં કોને કેટલા રૂપિયા આપવામાં આવશે એની પણ સ્પષ્ટતા કરવામાં આવી હોવાથી હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સને આડે આવતાં વિઘ્નો દૂર થશે એવું સરકારનું માનવું છે.
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેના અધ્યક્ષપદ હેઠળ આયોજિત કરવામાં આવેલી MMMRDAની ૧૫૯મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મુંબઈના વિકાસને લગતી આ બાબત હોવાથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અમે આર્થિક વળતર આપવાની નવી પૉલિસી બનાવીને મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બદલવા માગીએ છીએ. એને લીધે પ્રોજેક્ટ સમયસર પૂરો થશે અને એમાં ઓછામાં ઓછી મુશ્કેલીઓ આવશે. અમે મુંબઈનો ઝડપી વિકાસ અને ગ્રોથ કરવા માગીએ છીએ. આ પ્રોગ્રેસિવ અપ્રોચને કારણે કનેક્ટિવિટી વધશે અને સાથે રાજ્યના અને રાજ્યની જનતાના આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.’
MMRDAની બેઠકના અધ્યક્ષસ્થાને રહેલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આર્થિક વળતરની આ પૉલિસી કારગત નીવડશે જેને કારણે મહત્ત્વના અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના જે પ્રોજેક્ટ્સ મોડા પડતા હતા એ હવે નહીં થાય. આર્થિક વળતર પૂરું પાડીને MMRDA હવે મૉડર્ન અને ફ્લેક્સિબલ મૉડલ અપનાવી રહી છે જેથી મહત્ત્વના પ્રોજેક્ટ્સ અટકે નહીં. આ તમામ પ્રોજેક્ટ્સ હવે સમસયર પૂરા કરી શકાશે.’
આર્થિક વળતરની પૉલિસીમાં શું છે ?
રેસિડેન્શિયલ યુઝર્સ માટે
આર્થિક વળતર રેડી રેકનરના ભાવ પ્રમાણે આપવામાં આવશે.
કૅટેગરી-૧ (પાત્ર હોય એવી પ્રૉપર્ટી) અને કૅટેગરી-૨ (અપાત્ર - એન્ક્રોચમેન્ટ હેઠળ આવતી પ્રૉપર્ટી) હેઠળ ઓછામાં ઓછા ૨૫ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
કૅટેગરી-૨ માટે વધુમાં વધુ ૪૦ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
કૅટેગરી-૧માં વધુમાં વધુ ૧૨૯૨ સ્ક્વેરફુટની જગ્યા અથવા રેડી રેકનર રેટના ૧૦૦ ટકા રૂપિયા ઑફર કરવામાં આવશે.
કૅટેગરી-૨માં અતિક્રમણ કરીને પચાવી પાડેલી જગ્યામાં રહેતા લોકોને રેડી રેકનર રેટના ૭૫ ટકા પ્રમાણે વળતર આપવામાં આવશે.
નૉન-રેસિડેન્શિયલ પ્રૉપર્ટી માટે
ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પાત્ર દુકાનને ૨૨૫ સ્ક્વેરફુટ સુધીની જગ્યા અથવા તો રેડી રેકનર રેટના આધારે ૧૦૦ ટકા વળતર આપવામાં આવશે.
અતિક્રમણ કરેલી જગ્યાઓ માટે રેડી રેકનર રેટના ૭૫ ટકા પ્રમાણે વળતર આપવામાં આવશે.

