એમએમઆરડીએ આ વર્ષે અંદાજે આટલા રૂપિયા ખર્ચ કરશે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે
ફાઇલ તસવીર
મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં લોકોને ટ્રાન્સપોર્ટ સહિતની અનેક વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળી શકે એ માટે એમએમઆરડીએ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષે એમએમઆરડીએ એના ૪૬,૯૨૧.૨૯ કરોડ રૂપિયાના બજેટમાંથી ૪૧,૯૫૫.૩૪ કરોડ રૂપિયા એ સુવિધાઓ આપવા ખર્ચવાની છે.
હાલમાં જ એમએમઆરડીએએ એનું ૨૦૨૪-’૨૫નું વાર્ષિક બજેટ પાસ કર્યું હતું. એમાં રાજ્યના મુખ્ય પ્રધાન અને એમએમઆરડીએના અધ્યક્ષ એકનાથ શિંદેએ ૪૬,૯૨૧.૨૯ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું હતું. બજેટમાં કુલ ૩૯,૪૫૩.૦૪ કરોડની આવક સામે ૪૬,૯૨૧.૨૯ રૂપિયાનો અંદાજિત ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. એમએમઆરડીએ દ્વારા બજેટની મોટા ભાગની રકમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેજર પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવી છે. એમાં મેટ્રો, મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક, બોરીવલી-થાણે ટનલ રોડ વગેરેનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
મેટ્રોની વિવિધ લાઇનો અને મેટ્રો ભવન માટે કુલ બજેટમાંથી ૧૭,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
મુંબઈ-નવી મુંબઈને જોડતા અટલ સેતુના શિવરીના એન્ડને વરલી સાથે જોડતા એલિવેટેડ રોડ માટે ૬૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વરલી, પરેલ અને શિવડીમાંથી પસાર થનારો અને ૪.૫ કિલોમીટર લાંબો ચાર લેનનો આ બ્રિજ બનાવવા પાછળ ૧,૨૮૬ કરોડનો ખર્ચ થવાનો છે. ૨૦૨૧થી એનું કામ ચાલી રહ્યું છે. આમ તો એની ડેડલાઇન ૨૦૨૪ના ડિસેમ્બર સુધી હતી, પણ વચ્ચે આવેલા કામગારનગરના ઝૂંપડાવાસીઓના પુનર્વસનને લઈને કામ લંબાઈ ગયું હતું અને હવે એ ૨૦૨૬ સુધી પૂરો થવાની ધારણા છે. વરલી સાઇડ એના પિલર નખાઈ રહ્યા છે અને હવે પુરજોશમાં કામ ચાલી રહ્યું છે.
બીજું, બોરીવલીથી થાણે જવા હાલ ઘોડબંદર રોડથી દોઢથી બે કલાક લાગે છે એ સમય માત્ર ૧૫થી ૨૦ મિનિટનો કરવા સંજય ગાંધી નૅશનલ પાર્ક નીચેથી બે ટનલ બનાવીને ૨૩ કિલોમીટર લાંબો અન્ડરગ્રાઉન્ડ રોડ ૧૩,૨૦૦ કરોડના ખર્ચે બનાવાઈ રહ્યો છે જે માટે આ વર્ષે ૪,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. નૅશનલ બોર્ડ ઑફ વાઇલ્ડલાઇફે એનું ક્લિયરન્સ આપી દીધું છે, પણ કેન્દ્રના પર્યાવરણ ખાતાએ એની પરવાનગી આપવાની બાકી છે. ૨૦૨૭ સુધીમાં એ ટનલ તૈયાર કરીને એનું લોકાર્પણ કરવાનો પ્લાન છે.

