વિધાન પરિષદની ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સીમાં આઠમું ભણેલી વ્યક્તિ મત આપી શકે?
નરેન્દ્ર મહેતાએ પત્ની સાથે સોશ્યલ મીડિયામાં કરેલી પોસ્ટ
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સી બેઠક માટે બુધવારે મતદાન થયું હતું. કોંકણની બેઠકમાં મીરા રોડના મતદાનકેન્દ્રમાં મત આપ્યો હોવાનો પત્ની સાથેનો ફોટો ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ શૅર કર્યો હતો. તેમણે બુધવારે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરેલા ફોટોમાં લખવામાં આવ્યું હતું કે કોંકણ ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સી બેઠક માટે મતદાન કરવાનું કર્તવ્ય નિભાવ્યું છે. જોકે નરેન્દ્ર મહેતાએ ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી લડી હતી ત્યારે ઇલેક્શન કમિશનમાં રજૂ કરેલા સોગંદનામામાં તેઓ આઠમા ધોરણ સુધી ભણેલા હોવાનું નોંધ્યું હતું. આથી ગ્રૅજ્યુએટ ન હોવા છતાં નરેન્દ્ર મહેતાએ કેવી રીતે મતદાન કર્યું? જો કર્યું હોય તો એ તપાસનો વિષય હોવાની ચર્ચા શરૂ થઈ છે. મતદાન ન કર્યું હોય તો માત્ર સસ્તી પબ્લિસિટી મેળવવા માટે મતદાનની પોસ્ટ શૅર કરી હતી? એવો સવાલ વિરોધીઓ કરી રહ્યા છે. વિવાદ થયા બાદ નરેન્દ્ર મહેતાએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
ગ્રૅજ્યુએટ ન હોવા છતાં પત્ની સાથે મતદાન કર્યું હોવાની પોસ્ટનો વિવાદ થતાં નરેન્દ્ર મહેતાએ પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને આ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મારી બદનામી કરવામાં આવી રહી છે. ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સીના મતદાન વખતે કાર્યકરોનો ઉત્સાહ વધારવા પોઝ આપ્યો હતો. અમે મતદાન કર્યું હોવાનો કોઈ દાવો નથી કર્યો. આ ચૂંટણીમાં મતદાન બાદ ઇન્ક જમણા હાથની આંગળીમાં લગાવવામાં આવે છે, જ્યારે મારા ડાબા હાથમાં લોકસભાની ચૂંટણી વખતે મતદાન કર્યું હતું એ સમયની ઇન્ક લાગેલી છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)