વિધાનસભ્ય પરાગ શાહ અને પ્રવીણ છેડા પણ જોડાયા, પોલીસને કડક કાર્યવાહી કરવાની સૂચના
કિરીટ સોમૈયા, પરાગ શાહ અને પ્રવીણ છેડા ઘાટકોપર પોલીસ-સ્ટેશન ગયા હતા
ઘાટકોપર-વેસ્ટના એમ. જી. રોડ પર મિલન શૉપિંગ સેન્ટર નજીક ચિરાગ ચિલ્ડ્રન વેઅર નામની કપડાની દુકાન ધરાવતા ૨૯ વર્ષના હર્ષ ધ્રુવની રવિવારે સાંજે એમ. જી. રોડ પર ગેરકાયદે બેસતા ચાર ફેરિયાઓએ મારઝૂડ કરી હતી. આવી ગંભીર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પણ સ્થાનિક પોલીસે અને BMCના અધિકારીઓએ ફેરિયાઓ સામે કોઈ ઍક્શન ન લેતાં ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ એમ. જી. રોડની મુલાકાત લઈ પોલીસ સમક્ષ આ મામલે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જોકે ત્યાર બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી, પણ એમાં ફેરિયાઓને મદદ કરવામાં આવી હોય એવું સ્પષ્ટ દેખાતાં ગઈ કાલે કિરીટ સોમૈયા, સ્થાનિક વિધાનસભ્ય પરાગ શાહ ઉપરાંત પ્રવીણ છેડાએ ફરી એક વાર એમ. જી. રોડની મુલાકાત લઈને સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા કરી તેમની તકલીફો જાણી હતી. એ સમયે ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરીને પોલીસ અને BMCના દલાલોની યાદી તૈયાર બનાવીને તેમની સામે પણ ફરિયાદ નોંધવાની માગણી કરવામાં આવી છે.
કિરીટ સોમૈયાએ ગઈ કાલે સાંજે એમ. જી. રોડની ફરી મુલાકાત લઈ વેપારી હર્ષ સાથે ચર્ચા કરી હતી અને એની નોંધાયેલી ફરિયાદ સામે તાત્કાલિક કલમ બદલીને વેપારીની મારઝૂડ કરનાર આરોપીની ધરપકડ કરવાની સૂચના પોલીસને આપી હતી. એ દરમ્યાન પરાગ શાહની હાજરીમાં એમ. જી. રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ ઉપરાંત સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી આ ફેરિયાઓને કારણે થતી તકલીફ જાણવાની કોશિશ કરવામાં આવી હતી એટલું જ નહીં, ફેરિયાઓને પ્રોટેક્ટ કરતા BMC અને પોલીસના દલાલોની પણ યાદી તૈયાર કરી તેમની સામે કાર્યવાહી કરવા પોલીસ-સ્ટેશનને પત્ર આપ્યો છે. લાઇસન્સધારક ફેરિયાઓ પાસે કામ કરતા કામદારોનું લિસ્ટ લેવા પણ પોલીસને જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગઈ કાલે દુકાનમાં વેપારીઓની ફરિયાદ સાંભળતા કિરીટ સોમૈયા.
ફેરિયાઓનો વિષય દિવસે-દિવસે ગંભીર થતો જાય છે. હિન્દુ વસ્તીઓમાં દિવસે-દિવસે અતિક્રમણ કરી ફેરિયાઓ પોતાનો અડ્ડો જમાવી રહ્યા છે એમ જણાવતાં પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિન્દુ વિસ્તારોમાં અમુક ફેરિયાઓ જાણીજોઈને કબજો કરી એ વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ કરીને કેફી પદાર્થો વેચવાની ચેઇન તૈયાર કરતા હોય છે એવો આક્ષેપ ગઈ કાલે કિરીટ સોમૈયાએ કર્યો હતો અને આ જ સંદર્ભે પોલીસને કાર્યવાહી કરવા માટેની વિનંતી પણ કરવામાં આવી હતી. જો વર્ષોજૂની હિંગવાલા માર્કેટ અને કાંદિવલીનું મહાવીરનગર ફેરિયાઓથી મુક્ત કરી શકાય તો ઘાટકોપરનો એમ. જી. રોડ કેમ ફેરિયા-મુક્ત ન થઈ શકે? BMCના અધિકારીઓને યોગ્ય કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે.’
મને મારનારા ફેરિયાઓ સામે કાર્યવાહી થાય ઃ હર્ષ ધ્રુવ
મારી સાથે બનેલી ઘટના પાછી બીજા કોઈ વેપારી સાથે ન બને અને મારા પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગણી છે એમ જણાવતાં હર્ષ ધ્રુવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દુકાનની બહાર મારા જ એક ગ્રાહકની મસ્તી કેમ કરી એમ પૂછવા દુકાનની બહાર રોડ પર બેસેલા ફેરિયા પાસે હું ગયો ત્યારે તેણે મારા પપ્પા ભરતભાઈ સાથે ધક્કામુક્કી કરી હતી. તેમને બચાવવા જતાં મને ગાળો ભાંડી અને મારી મારઝૂડ કરી. ત્રણ-ચાર ફેરિયાઓએ મને રોડ પર ઢસડીને માર માર્યો હતો. એની ફરિયાદ કરવા ગયો તો પોલીસે પણ મારી વાત સાંભળી નહોતી. અંતે કિરીટ સોમૈયા મારી મદદે આવ્યા ત્યારે મારી ફરિયાદ પોલીસે નોંધી હતી. જોકે ફરિયાદ નોંધી એ દિવસે સાંજે જ મને માર મારનાર ફેરિયાઓ મારી દુકાનની બહાર બેસી ગયા હતા એ જોતાં પોલીસની કાર્યવાહી સામે પ્રશ્ન ઊભા થાય છે. મારી માગણી એટલી જ છે કે મને આ રીતે મારઝૂડ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.’

