તેમણે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
ફાઇલ તસવીર
મીરા-ભાઈંદરનાં વિધાનસભ્ય ગીતા જૈનનો મોબાઇલ હૅક થતાં તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સાઇબર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મીરા-ભાઈંદરનાં ધારાસભ્ય ગીતા જૈનના વૉટ્સઍપ નંબર પર દિવસના હજારો લોકોના ફોન અને મેસેજ આવતાં-જતાં હોય છે. જોકે આ વૉટ્સઍપ નંબર દ્વારા અનેક લોકોને મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેમાં અંગત માહિતી અને પૈસાની માગણી કરવામાં આવી હતી. એથી ગીતા જૈનને અનેક લોકોના ફોન આવતાં તેમનું વૉટ્સઍપ હૅક થઈ ગયું હોવાનું ધ્યાનમાં આવતાં જ તેમણે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમ જ તેમણે નાગરિકોને સોશ્યલ મીડિયા પર માહિતી પણ પ્રસિદ્ધ કરી હતી કે આવી કોઈ પણ માગણી પૂર્ણ ન કરવાની અપીલ પણ કરી હતી. ગીતા જૈનના આ ફોન પરનો વૉટ્સઍપ તાત્પુરતા ધોરણે બ્લૉક કરી દેવામાં આવ્યું છે, કારણ કે હાલમાં સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે.