મીઠી રિવર રિજુવનેશન પ્રોજેક્ટ પૂરો થવાના કોઈ અણસાર નથી, કારણ કે હજી સુધી બીએમસીના ટેન્ડરનું કોઈ લેવાલ નથી : કામ શરૂ નથી થઈ રહ્યું
એપ્રિલ ૨૦૨૨માં મીઠી નદીની સફાઈ-કામગીરીની ચકાસણી કરતા કૉર્પોરેશન કમિશનર ઇકબાલ સિંહ ચહલ. તસવીર: શાદાબ ખાન
મુંબઈ : ૧૮ વર્ષ વીતી જવા છતાં મીઠી રિવર રિજુવનેશન પ્રોજેક્ટ પૂરો થવાના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી, કારણ કે જૂન ૨૦૨૨માં પ્રોજેક્ટના ત્રીજા તબક્કા માટે કૉર્પોરેશને બહાર પાડેલાં ટેન્ડર માટે કોઈ બિડર મળ્યો નથી. કૉર્પોરેશન અને એમએમઆરડીએએ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ ૧૧૫૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને ૩૬૯૨ કરોડ રૂપિયાનું કામ હજી પેન્ડિંગ છે. આ વર્ષે કૉર્પોરેશને પ્રોજેક્ટ માટે ૬૫૪ કરોડ રૂપિયા બાજુએ રાખ્યા છે, પણ આ વર્ષે પણ કામ ચાલુ થયું નથી, કારણ કે એ માટે પ્રોજેક્ટના અસરગ્રસ્તોના પુનર્વસનની આવશ્યકતા છે.
ગયા વર્ષ સુધીમાં પહોળાઈ અને ઊંડાઈનું ૯૫ ટકા કામ અને વિહાર લેકથી માહિમ સુધી વહેતી નદીની રિટેનિંગ વૉલના બાંધકામનું ૮૦ ટકા કામ પૂરું થયું હતું. નદીના વિકાસ અને પ્રદૂષણ નિયંત્રણનો પ્લાન ચાર તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કૉર્પોરેશનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘પ્રી-બિડ મીટિંગમાં બિડર્સે સંખ્યાબંધ મુદ્દા ઉઠાવ્યા હતા. મુખ્ય મુદ્દો નદીની બન્ને તરફના પ્રોજેક્ટના અસરગ્રસ્તોના પુનર્વસનનો છે, કારણ કે સહેલગાહને લગતા કામમાં છ ફુટ પહોળા રસ્તાઓનો પણ સમાવેશ થાય છે. આવા મોટા પ્રોજેક્ટ્સ માટે પીએપી માટે અલાયદું ભંડોળ હોવું જરૂરી છે, અન્યથા એ વ્યવહારુ નીવડશે નહીં.’ તેમણે ઉમેર્યું હતું કે રીટેન્ડરિંગનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે.
આ મામલે ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ કહ્યું હતું કે ‘એમએમઆરડીએ અને કૉર્પોરેશને મીઠી નદીને પહોળી કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ મોટા ભાગનું કામ હજી અધૂરું છે. એમએમઆરડીએએ તાજેતરમાં જ મીઠીનો ભાગ કૉર્પોરેશનને સોંપ્યો હતો. હવે કૉર્પોરેશને એના અત્યાર સુધીના ખર્ચ અને પરિણામનું ઑડિટ જાહેર કરવું જોઈએ.’
બન્ને ઑથોરિટીએ અત્યાર સુધીમાં કુલ ૧૧૫૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેમાં ૫૦૪ કરોડ રૂપિયા એમએમઆરડીએ દ્વારા અને ૬૪૬ કરોડ રૂપિયા મુંબઈ કૉર્પોરેશન દ્વારા ખર્ચાયા છે. ૨૦૨૩-’૨૪ માટેના સુધરાઈના વાર્ષિક બજેટ અનુસાર ૩૬૯૨ કરોડ રૂપિયાનું કામ હજી પેન્ડિંગ છે.