દૂધ લઈને આવું છું એમ કહીને ઘરેથી ભાગેલી કિશોરીને પોલીસે તાત્કાલિક તપાસ કરીને ઉમરગામથી શોધી કાઢી, તેની સાથે એક છોકરો પણ હતો
ઉમરગામ પોલીસ-સ્ટેશનની બહાર મુંબઈ પોલીસના તાબામાં કિશોરી અને તેનો ફ્રેન્ડ.
ઘાટકોપર-ઈસ્ટના રમાબાઈનગરમાં રહેતી ૧૪ વર્ષની ટીનેજર દૂધ લઈને આવું છું એમ કહીને રવિવારે સાંજે ઘરેથી નાસી ગઈ હતી. એની ફરિયાદ પંતનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાતાં પોલીસે તાત્કાલિક ગુપ્ત સૂત્રો અને ટેક્નિકલ ટીમ ઉપરાંત ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ દ્વારા ઝીણવટભરી તપાસ કરીને સોમવારે સાંજે ગુજરાતના ઉમરગામથી તેને શોધી કાઢી હતી. ત્યાર બાદ ગઈ કાલે વહેલી સવારે તેને પાછી મુંબઈ લાવવામાં આવી હતી. પ્રાથમિક માહિતી લેવા કિશોરીની પૂછપરછ કરતાં તેની મમ્મી અને દાદી ખૂબ ગુસ્સો કરતાં હોવાથી તે ઘરમાંથી નાસી ગઈ હોવાની કબૂલાત પોલીસ પાસે તેણે કરી હતી.
ટીનેજર ઘરેથી નીકળ્યા બાદ કલાકો સુધી મુંબઈના વિવિધ વિસ્તારોમાં એકલી ફરી હતી અને ત્યાર બાદ તેણે તેના સ્કૂલના મિત્રને મદદ માટે ફોન કરીને તેની સાથે ઉમરગામ પહોંચી હતી એમ જણાવતાં પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કુર્લાની એક પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષની કિશોરી રવિવારે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ દૂધ લેવા માટે ઘરેથી નીકળ્યા બાદ કલાકો સુધી ઘરે પાછી ન ફરતાં આ ઘટનાની અમને જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં અમે તેના સંબંધીઓ અને મિત્રોની પૂછપરછ કરી હતી. મોડી રાત સુધી અમને કિશોરીની કોઈ માહિતી ન મળતાં અમે ઑફિશ્યલી ફરિયાદ નોંધીને તમામ ઍન્ગલ દ્વારા તપાસની શરૂઆત કરી હતી. શરૂઆતમાં કિશોરી જ્યાં રહે છે એ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં. એમાં કિશોરી રેલવે-સ્ટેશન તરફ જતી દેખાઈ હતી. ત્યાર બાદ સ્ટેશન વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં તે ટ્રેનમાં ચડતી દેખાઈ હતી. એમ એક પછી એક તપાસ કરતાં અમને જાણ થઈ કે કિશોરીએ પોતાના ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું હતું, પરંતુ વૉટ્સઍપ કૉલના માધ્યમથી તેણે મોડી રાતે તેના એક ફ્રેન્ડને ફોન કર્યો હતો એટલે અમે તેના ફ્રેન્ડના ઘરે પહોંચ્યા હતા. એ સમયે તેનો ફ્રેન્ડ પણ ઘરેથી નાસી ગયો હોવાની માહિતી અમને મળતાં અમે તેનો ફોન ટ્રેસ કરવાની કોશિશ કરી ત્યારે માલૂમ થયું હતું કે તેણે પણ પોતાના ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું હતું. એટલે અમે ટેક્નિકલ ટીમની મદદ લીધી ત્યારે અમને જાણ થઈ કે તેઓ ગુજરાત તરફ આગળ વધી રહ્યાં છે એટલે અમારી એક ટીમ ગુજરાત માટે તાત્કાલિક રવાના થઈ હતી. ગુજરાત બૉર્ડર નજીકનાં તમામ પોલીસ-સ્ટેશનોને અમે કિશોરી વિશે જાણકારી આપી હતી. ફાઇનલી સોમવારે સાંજે કિશોરી ઉમરગામમાં હોવાની માહિતી અમને મળતાં સ્થાનિક પોલીસની મદદથી તેને પકડી પાડવામાં આવી હતી. કિશોરીનો એકલા જ ભાગવાનો પ્લાન હતો. જોકે તેને કોઈની મદદની જરૂર હોવાથી તેણે પહેલાં તેની એક ફ્રેન્ડને ફોન કર્યો હતો. કોઈક સંજોગોમાં તે અવેલેબલ ન હોવાથી કિશોરીએ બીજો ફોન એક છોકરાને કર્યો હતો. તેની પણ ઉંમર ૧૫ વર્ષની છે. હાલમાં અમે કિશોરીનું કાઉન્સેલિંગ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’

