આવી જ ઘટના વિરારની ગ્લોબલ સિટીમાં બની. બે વર્ષના બાળક પરથી આખેઆખી કાર પસાર થઈ ગઈ છતાં તે ચમત્કારિક રીતે બચી ગયો
તસ્મયને કારની ટક્કર વાગતાં તે પડી જાય છે. કાર પસાર થઈ ગયા બાદ તસ્મય જાણે કંઈ જ ન બન્યું હોય એમ ઊઠીને દાદી પાસે દોડી જતો હોવાનું સીસીટીવી કૅમેરાના ગ્રૅબમાં દેખાય છે.
વિરારમાં બે વર્ષના બાળક પરથી આખેઆખી કાર પસાર થઈ ગઈ હોવા છતાં તેના શરીર પર જરાસરખોય ઉઝરડો નહોતો પડ્યો. બાળક સોસાયટીના કમ્પાઉન્ડમાં રમી રહ્યું હતું ત્યારે પોડિયમમાંથી આવેલી કારના ડ્રાઇવરને તે દેખાયું નહોતું. કારની ટક્કર વાગતાં બાળક જમીન પર પડી ગયું હતું અને તેના પરથી કાર પસાર થઈ ગયા બાદ જાણે તે કંઈ જ બન્યું ન હોય એમ ઊઠીને દોડતું-દોડતું દાદી પાસે પહોંચી ગયું હતું. ગઈ કાલે એ ઘટનાનો વાઇરલ થયેલો વિડિયો જોઈને બધા ચોંકી ગયા હતા અને તેમના મોંમાંથી શબ્દો સરી પડ્યા હતા, ‘જેના રામ રખોપાં કરે તેનો વાળ પણ વાંકો નહીં થાય.’ વિરારના અર્નાળા પોલીસે કારચાલક અને કારમાલિક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અર્નાળા પોલીસે જણાવ્યું કે ‘વિરાર-વેસ્ટમાં ગ્લોબલ સિટીમાં ગાર્ડન ઍવન્યુ નામની સોસાયટીના બીજા માળે ઉમા ઉદય બેર્ડે તેમના એક દીકરા કૌસ્તુભ અને પુત્રવધૂ અંજુ સાથે રહે છે. તેમનો મોટો પુત્ર તેજસ તેની પત્ની રસિકા અને બે વર્ષના પુત્ર તસ્મય સાથે વિરાર-ઈસ્ટના મનવેલ પાડામાં રહે છે. ૨૩ ફેબ્રુઆરીએ તેજસ પત્ની અને પુત્ર તસ્મય સાથે ગાર્ડન ઍવન્યુમાં આવેલા મમ્મીના ઘરે સવારે ૧૧ વાગ્યે મળવા આવ્યો હતો. સાંજે ૬ વાગ્યે દાદી ઉમા બેર્ડે પૌત્ર તસ્મયને લઈને બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ગયાં ત્યારે પોડિયમમાંથી આવેલી એક કારે તસ્મયને ટક્કર મારતાં તે પડી ગયો હતો અને તેના શરીર પરથી કાર પસાર થઈ ગઈ હતી. કાર-ડ્રાઇવરને બાળક દેખાયું નહોતું એટલે તેણે બ્રેક મારી નહોતી કે હૉર્ન પણ નહોતું વગાડ્યું. કાર સાથે કંઈક અથડાયું હોવાની જાણ થતાં ડ્રાઇવરે થોડે આગળ જઈને કાર ઊભી રાખી હતી. જોકે ત્યારે તસ્મય ઊભો થઈને તેની દાદી પાસે દોડી ગયો હતો. આખી કાર તેના શરીર પરથી પસાર થઈ ગઈ હોવા છતાં તેના શરીર પર એકેય ઉઝરડો નહોતો પડ્યો. આ ઘટનાની ફરિયાદ ઉમા બેર્ડેએ અર્નાળા પોલીસ-સ્ટેશને નોંધાવી હતી.
ADVERTISEMENT
આ ઘટના વિશે તસ્મયના કાકા કૌસ્તુભ બેર્ડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ એક ચમત્કાર જ છે. કમ્પાઉન્ડમાં રમી રહેલા તસ્મયને કારે ટક્કર મારી ત્યારે તે કારની જમણી સાઇડના ટાયર નજીક જ હતો. કાર સહેજ જમણી તરફ જ વળતાં તસ્મય કારની વચ્ચેના ભાગમાં હતો એટલે બાલબાલ બચી ગયો હતો. અમે બે ભાઈ વચ્ચે તસ્મય એક જ સંતાન છે. તે બચી ગયો છે એને માટે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સોસાયટી હોય કે રસ્તો, લોકોએ ખૂબ ધ્યાન રાખીને વાહનો ચલાવવાં જોઈએ. પોલીસે હજી સુધી આ મામલામાં કોઈની ધરપકડ નથી કરી.’
અર્નાળા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજુ કિસનરાવ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કારનાં માલિક નયના વસંત અને ડ્રાઇવર મનોજ યાદવ સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સોસાયટીના સીસીટીવી કૅમેરાના ફુટેજમાં બે વર્ષનું બાળક તસ્મય રમતું હતું ત્યારે કાર-ડ્રાઇવરે તેને ટક્કર મારી હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ ઘટનામાં તસ્મયનો ચમત્કારિક બચાવ થયો છે. કાર નીચે આવી ગયા બાદ જમીન પર પડી જવાથી તસ્મયને મામૂલી ઈજા થઈ છે. આ ઘટનામાં કોઈ ઇન્જરી નથી એટલે જામીનપાત્ર ગુનો બને છે. અમે ડ્રાઇવરને સમન્સ મોકલીને નિવેદન માટે બોલાવ્યો છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.’