આ મહિલાએ પોતાની સોસાયટીમાં ચાલતી ગેરરીતિ બાબતે સબ-રજિસ્ટ્રારની ઑફિસમાં ફરિયાદ કરી હતી, પણ કોઈ જવાબ ન મળતાં બૉમ્બે હાઈ કોર્ટ સુધી છ વર્ષ લડત ચલાવીને બે અધિકારીને દંડિત કર્યા
મીરા રોડમાં કાશીમીરા વિસ્તારમાં આવેલી સિલ્વર સરિતા સોસાયટી
હાઉસિંગ સોસાયટીઓની કમિટીઓ બરાબર કામ કરે છે કે નહીં અથવા એમની સામે કોઈ ફરિયાદ મળે તો એના પર ધ્યાન આપવા માટે હાઉસિંગ સોસાયટી રજિસ્ટ્રાર ઑફિસ કામ કરે છે. જોકે સામાન્ય નાગરિક આ ઑફિસમાં રજૂઆત કરે છે ત્યારે તેને કાં તો બરાબર જવાબ નથી અપાતો અથવા તો તેને ટાળવાનો પ્રયાસ કરવામાં આવે છે. આથી મોટા ભાગના લોકો આવી ઑફિસનાં અમુક ચક્કર લગાવીને થાકી જાય છે અને માથાકૂટ મૂકી દે છે. જોકે મીરા રોડમાં રહેતી એક ગૃહિણીએ સોસાયટીમાં ચાલતી ગેરરીતિને રોકવાની સાથે સબ-રજિસ્ટ્રાર ઑફિસના બે કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માટે છ વર્ષની લડત ચલાવી હોવાનું જાણવા મળ્યું હતું. બૉમ્બે હાઈ કોર્ટ સુધી ચાલેલી આ લડતમાં આ મહિલા મક્કમ રહેતાં આખરે મીરા રોડમાં આવેલી ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફિસના બે અધિકારી સામે પગલાં લેવામાં આવ્યાં છે.
મીરા રોડમાં કાશીમીરા વિસ્તારમાં સિલ્વર સરિતા નામની હાઉસિંગ સોસાયટી આવેલી છે. આ સોસાયટીની ‘બી’ વિંગમાં ૬૦૧ નંબરના ફ્લૅટમાં ગૃહિણી સુનીતા અગરવાલ તેમના પરિવાર સાથે રહે છે. ૨૦૧૬માં તેમના ધ્યાનમાં આવ્યું હતું કે સોસાયટીની કમિટીએ એજીએમમાં નક્કી કર્યા વિના કેટલાક મોટા ખર્ચ કર્યા છે. તેમણે આ વિશે સોસાયટીના સેક્રેટરીને પૂછ્યું ત્યારે તેમણે કોઈ જવાબ નહોતો આપ્યો. આથી સુનીતા અગરવાલે મીરા રોડમાં આવેલી સોસાયટી સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં આ સંબંધે ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં બે-ત્રણ રિમાઇન્ડર કર્યા બાદ પણ કોઈ જવાબ ન મળતાં સુનીતા અગરવાલે માહિતી અધિકાર (આરટીઆઇ) હેઠળ જવાબ માગ્યો હતો. આરટીઆઇનો પણ ઑફિસમાંથી કોઈ જવાબ નહોતો મળ્યો. આથી સુનીતા અગરવાલે અપીલ કરી હતી. આ અપીલનો પણ કોઈ ઉત્તર ન મળતાં સુનીતા અગરવાલે સોસાયટી સંબંધી કામકાજના એક્સપર્ટ ઍડ્વોકેટ શૈલેષ ગાંધી અને જોસેફ નામના સોસાયટીના ઍક્ટિવિસ્ટની મદદથી સ્ટેટ ઇન્ફર્મેશન કમિશન (એસઆઇસી) કોંકણ વિભાગમાં મીરા રોડમાં આવેલી સોસાયટી સબ-રજિસ્ટ્રાર ઑફિસના અધિકારી દિનેશ ચંડેલ અને આ ઑફિસના પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર સુશાંત ઘોલપ સામે ફરિયાદ નોંધાવી હતી.
કોંકણ ભવને મીરા રોડની ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફિસના અધિકારી દિનેશ ચંડેલ અને સુશાંત ઘોલપને આ મામલે નોટિસ મોકલીને તેમના જવાબ માગ્યા હતા. આ અધિકારીઓએ જવાબ ન આપતાં આખરે કોંકણ ભવને જાન્યુઆરી ૨૦૨૧માં બન્ને અધિકારીને પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવાની સાથે તેમની સાથે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવાનો આદેશ આપ્યો હતો. પબ્લિક ઇન્ફર્મેશન અધિકારી સુશાંત ઘોલપે પાંચ હજાર રૂપિયાનો દંડ ભરી દીધો હતો, પરંતુ દિનેશ ચંડેલે કોંકણ ભવનના આદેશને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલાની સુનાવણી એક વર્ષ સુધી ચાલ્યા બાદ ગયા વર્ષે ૨૪ ડિસેમ્બરે સબ-રજિસ્ટ્રાર ઑફિસના અધિકારી દિનેશ ચંડેલની અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ વસૂલ કરવાના નિર્દેશ કોંકણ ભવનને આપ્યા હતા.
આ આખા મામલા વિશે સિલ્વર સરિતા સોસાયટીમાં રહેતાં ગૃહિણી સુનીતા અગરવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઉસિંગ સોસાયટીઓના કામકાજ માટે અસ્તિત્વમાં આવેલી સોસાયટી રજિસ્ટ્રાર ઑફિસમાં સામાન્ય લોકોનું કોઈ સાંભળતું ન હોવાનું જાણ્યા બાદ મેં કોંકણ ભવન અને બૉમ્બે હાઈ કોર્ટ સુધી લડત લડવાનો નિર્ણય લીધો હતો. હું એક સામાન્ય ગૃહિણી છું એટલે મને આ વિશે બહુ ખબર નહોતી એટલે મેં આ લડત નસીર જહાંગીર, કેવીજર રાવ, અમિત ઇસરાની અને શૈલેષ ગાંધી જેવા મેન્ટરોની મદદથી આગળ વધારી હતી. સોસાયટીના ઍક્ટિવિસ્ટ જોસેફે પણ મને આ કામમાં ઘણી મદદ કરી છે. છ વર્ષની લડતમાં મને સફળતા મળી હોવાનો આનંદ છે. મારી જેમ કોઈ પણ વ્યક્તિ અન્યાય કે કંઈ ખોટું થઈ રહ્યું હોય તો ધીરજપૂર્વક એક પછી એક વિભાગમાં ફરિયાદ અને હિયરિંગ કરીને ખોટું કરનારાઓને દંડિત કરી શકે છે. એટલું જ નહીં, સોસાયટી કે બીજી કોઈ જગ્યાએ ખોટું કરનારાઓ પણ થોડા ડરશે.’