મોબાઇલની દુકાન ધરાવતા અનિલ છેડાની નવી કારને બસના ડ્રાઇવરે ટચ કરી હોવાથી થઈ હતી બબાલ
મીરા રોડ-ઈસ્ટમાં શાંતિ નગર સેક્ટર-૧માં સ્ટેશન સામે જ આવેલી ટૉપ-૧૦ મોબાઇલ શૉપના માલિક અનિલ છેડાની ધરપકડ કરવામાં આવી છે.
મીરા રોડ-ઈસ્ટમાં શાંતિ નગર સેક્ટર-૧માં સ્ટેશન સામે જ આવેલી ટૉપ-૧૦ મોબાઇલ શૉપના કચ્છી માલિક અનિલ છેડાની મીરા રોડ પોલીસે (નયા નગર) મીરા-ભાઇંદર મ્યુનિસિપિલ ટ્રાન્સપોર્ટ (એમબીએમટી)ના બસ-ડ્રાઇવરની મારઝૂડ કરવા સંદર્ભે ગુનો નોંધી ધરપકડ કરી છે.
મીરા રોડ-ઈસ્ટમાં સ્ટેશન સામે જ આવેલી મોબાઇલ શૉપ ટૉપ-૧૦ના માલિક અનિલ છેડા સાથે આ ઘટના શનિવારે બપોરે ૨.૩૦થી ૩ દરમ્યાન બની હતી. મૂળમાં એમબીએમટીની બસો એ જ સ્પૉટ પરથી ભરાય છે અને ખાલી થાય છે. વળી ત્યાં રિક્ષાઓ પણ પૅસેન્જર સાથે આવીને ઊભી રહેતી હોય છે તેમ જ ખાલી થાય છે. એથી એ વિસ્તારમાં સતત વાહનોની અવરજવર રહે છે. અનિલ છેડાની ટૉપ-૧૦ નામની બે દુકાન એક જ શૉપિંગ સેન્ટરમાં છે. એક દુકાન વેસ્ટ ફેસિંગ છે, જ્યારે બીજી દુકાન એ દુકાનથી ત્રણ દુકાન છોડીને બીજી બાજુ છે અને એની સામે જ બસ-સ્ટૉપ આવેલાં છે. જોકે ઘટના પહેલી દુકાનની સામે બની હતી.
ADVERTISEMENT
ફરિયાદ કરનાર એમબીએમટીના બસ-ડ્રાઇવર હનુમંત ઉગલમોલે તેની ફરિયાદમાં કહ્યું છે કે ‘તે બસને પાર્ક કરવા માગતો હતો, પણ એ વખતે ત્યાં ફોર-વ્હીલર પાર્ક થયેલી હતી એથી કન્ડક્ટર વિષ્ણુ માળીએ એ કાર ત્યાંથી હટાવવા કહ્યું હતું. એ વખતે કારના માલિક (અનિલ છેડા)એ પહેલાં તેમની સાથે બોલાચાલી કરી અને ત્યાર બાદ ડ્રાઇવરની મારઝૂડ કરી હતી. તેમની સાથે તેમનો કર્મચારી બનારસી મિશ્રા પણ હતો. એથી મીરા રોડ પોલીસે તે બન્ને સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જોકે આમાં કન્ડક્ટર વિષ્ણુ માળીએ એમ પણ કહ્યું છે કે એ ઝપાઝપી વખતે તેની પાસે ટિકિટ કલેક્શનના જે ૧૦,૦૦૦ રૂપિયા હતા એ પણ ગુમ થઈ ગયા છે.
એવું પણ કહેવાય છે કે બસ-ડ્રાઇવરે અનિલ છેડાની નવીનક્કોર કારને બસ ટચ કરી દીધી હતી એથી તેઓ ગુસ્સે થયા હતા અને તેમની ડ્રાઇવર સાથે જીભાજોડી થઈ હતી. જોકે આ બાબતે મીરા રોડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટીએ કહ્યું હતું કે એમબીએમટીના ડ્રાઇવરે કરેલી ફરિયાદના આધારે તેમણે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી. એ સિવાય તેમણે સ્પૉટ પરના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ મેળવ્યાં છે. અનિલ છેડા અને બનારસી મિશ્રાને ગઈ કાલે થાણે કોર્ટમાં લઈ જવાયા હતા, જ્યાં કોર્ટે તેમને ૨૭ ફેબ્રુઆરી સુધીની જેલ-કસ્ટડી આપી હતી.
આ બાબતે અનિલ છેડાનું શું કહેવું છે કે પછી એક્ચ્યુઅલ ઘટના શું બની હતી એ જાણવા ‘મિડ-ડે’ દ્વારા તેમની દુકાન પર જઈ તેમના મૅનેજર, કર્મચારીઓને મળી જાણવાનો પ્રયાસ કરાયો હતો, પણ કર્મચારીઓએ કઈ પણ કહેવા અસમર્થતા દર્શાવી હતી.