સ્થાનિક સુધરાઈ ઝાડ કાપવાનો નિર્ણય પાછો નહીં ખેંચી લે ત્યાં સુધી વિરોધ-પ્રદર્શન કરવાનો લોકોએ લીધો નિર્ણય
મીરા રોડના ગાર્ડનમાંનાં વૃક્ષોને કાપી નાખવાના નિર્ણયના વિરોધમાં ગઈ કાલે લોકોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
મીરા રોડમાં આવેલા સાવિત્રીબાઈ ફુલે ગાર્ડનમાંનાં ૧૨૦૮ વૃક્ષો કાપવાનો નિર્ણય મીરા ભાઈંદર મહાનગરપાલિકાએ લીધો એના વિરોધમાં ગઈ કાલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. પર્યાવરણ માટે મહત્ત્વનાં ગણાતાં વૃક્ષોને બચાવવા માટે મીરા રોડના કાણકિયા વિસ્તારમાં આવેલી ૨૫ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ૫૦૦ જેટલા રહેવાસીઓએ સુધરાઈનાં વૃક્ષો કાપીને ગાર્ડનમાં સિવરેજ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે એની સામે ઝુંબેશ શરૂ કરી છે. પર્યાવરણપ્રેમી અને સામાજિક કાર્યક્રમ ઍડ્વોકેટ કૃષ્ણા ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગાર્ડનમાં ૧૨૦૮ મોટાં વૃક્ષ છે એનાથી ગાર્ડનમાં હરિયાળી રહે છે અને હવા પણ શુદ્ધ થઈ રહી છે. સુધરાઈ નવાં વૃક્ષ વાવવાને બદલે જે છે એને કાપવા માગે છે. અમે આવું નહીં થવા દઈએ. ગઈ કાલે ૫૦૦થી વધુ લોકોએ ગાર્ડનમાં આવીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આવી જ રીતે જ્યાં સુધી ઝાડ કાપવાનો નિર્ણય પાછો લેવામાં નહીં આવે ત્યાં સુધી દરેક રવિવારે અમે વિરોધ-પ્રદર્શન કરીશું.’

