આમ છતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસનું કહેવું છે કે એની સરસ્વતી વૈદ્ય હત્યા કેસ પર માઠી અસર નહીં પડે, કારણ કે તેમની પાસે બીજા અનેક પુરાવા છે
મનોજ સાને, સરસ્વતી વૈદ્ય
દેશભરમાં હાહાકાર મચાવી દેનાર મીરા રોડ સરસ્વતી વૈદ્ય હત્યા કેસમાં એક નવો ખુલાસો બહાર આવ્યો છે. ફૉરેન્સિક લૅબોરેટરીને મોકલવામાં આવેલા તેના બૉડીપાર્ટ્સ બફાઈ ગયા તેમ જ કેટલાક પાર્ટ્સ કોહવાઈ ગયા હોવાથી તેણે જંતુનાશક દવા પીધી હતી કે કેમ એ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. એથી તેણે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી એ વિશે હજી પણ કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. મીરા રોડ પોલીસે લીવ ઇન પાર્ટનર મનોજ સાનેને તેની હત્યા કરવાના આરોપસર પકડ્યો છે.
મનોજ સાનેએ એવો દાવો કર્યો હતો કે સરસ્વતીએ જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી હતી, એથી તેનો આરોપ પોતાના પર ન આવે એ માટે તેણે મૃતદેહનો નિકાલ કરવા બૉડીના ધારદાર હથિયારથી ટુકડા કરી એ કુકરમાં બાફી ત્યાર બાદ સોસાયટીની આસપાસ ફગાવી દીધા હતા.
ADVERTISEMENT
મીરા રોડ ગોલ્ડન નેસ્ટ પાસે ઓવરબ્રિજની પાસે ઈસ્ટ સાઇડમાં આવેલા ગીતાનગરમાં મનોજ સાને તેની લીવ ઇન પાર્ટનર સરસ્વતી વૈદ્ય સાથે ભાડાના ફ્લૅટમાં રહેતો હતો. ફ્લૅટમાંથી ભયંકર દુર્ગંધ આવવા માંડતાં પાડોશીઓએ આ સંદર્ભે સેક્રેટરીને જાણ કરી અને ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવતાં આ આખો કેસ બહાર આવ્યો હતો.
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના ડેપ્યુટી કમિશનર જયંત બજબળેએ ‘મિડ-ડે’ને આ બાબતે કહ્યું હતું કે ‘અમે આ કેસમાં જે બૉડીપાર્ટ્સ મળ્યા હતા એ કેમિકલ ઍનૅલિસિસ માટે કાલીના ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવ્યા હતા. જોકે એ પાર્ટ્સ બાફવામાં આવ્યા હતા અને કેટલાક પાર્ટ્સ કોહવાઈ ગયા હતા એથી એની ચકાસણીમાં સરસ્વતીએ જંતુનાશક દવા પીધી હતી કે કેમ એ સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે અમને મળેલા અન્ય પુરાવાઓ લોહી, માંસના ટુકડા, તેણે બૉડી કાપવા લાવેલું કટર, કુકર અને એ બૉડીપાર્ટ્સ સરસ્વતીના જ હતા એ માટેના ડીએનએ સૅમ્પલની ચકાસણી એ બધા જ મજબૂત પુરાવા આપણે આ પહેલાં જ સબમિટ કર્યા છે. એના આધારે જ અમે મનોજ સાનેની ધરપકડ કરી તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે. એફએસએલનું કહેવું છે કે મરનારને જંતુનાશક આપવામાં આવ્યું હતું કે કેમ એ વિશે ચોક્કસપણે કશું કહી ન શકાય. જોકે એનાથી આપણા કેસને બહુ અસર નહીં પહોંચે. આપણી પાસે આરોપીની સામે અન્ય ઘણા મજબૂત પુરાવા છે.’