જોકે સરસ્વતી વૈદ્યની હત્યા કેવી રીતે કરવામાં આવી એનો ભેદ ઉકેલાયો નથી
મનોજ સાને
મીરા રોડમાં બનેલો હત્યાનો કેસ ભારતભરમાં ચર્ચિત થયો હતો. એ કેસમાં સરસ્વતી વૈદ્યની હત્યાના આરોપી મનોજ સાનેને મેડિકલ ટેસ્ટ-રિપોર્ટમાં દુર્લભ બીમારી હોવાનું નિદાન થયું છે. દરમ્યાન આ ઘટનાના ૧૫ દિવસ બાદ પણ મનોજ સાનેએ આ હત્યા કેવી રીતે કરી એનો ભેદ ઉકેલાયો નથી.
મીરા રોડમાં રહેતા ૫૬ વર્ષના મનોજ સાનેએ ૪ જૂને તેની ૩૨ વર્ષની પત્ની સરસ્વતી વૈદ્યની કથિત રીતે હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ તેના શરીરના અસંખ્ય ટુકડા કરીને કુકરમાં રાંધવામાં આવ્યા હતા. આ ઘટના ૭ જૂનની રાતે સોસાયટીના રહેવાસીઓની ફરિયાદ બાદ પ્રકાશમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી આરોપી મનોજ સાનેની ધરપકડ કરી હતી. પોલીસ પાસે ઘણા પુરાવા છે કે તેણે મૃતદેહનો નિકાલ કર્યો હતો, પરંતુ તેણે સરસ્વતીની હત્યા કેવી રીતે કરી એ હજી ખૂલ્યું નથી. સરસ્વતીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી કે પછી મનોજ સાને પોલીસને કહે છે કે મેં ડરના માર્યા મૃતદેહનો નિકાલ કર્યો હતો. પોલીસને તપાસ દરમ્યાન તેના ઘરેથી જંતુનાશકની બૉટલ પણ મળી આવી છે, પરંતુ પોલીસ દૃઢપણે માને છે કે મનોજ સાનેએ જ હત્યા કરી હતી. જોકે તપાસના ૧૫ દિવસ વીતી જવા છતાં પણ પોલીસ હત્યા ચોક્કસ રીતે કેવી રીતે થઈ એ જાણી શકી નથી. દરમ્યાન પોલીસે સરસ્વતીના મૃતદેહના વિસેરાને તપાસ માટે ફૉરેન્સિક લૅબોરેટરીમાં મોકલી દીધા છે.
ADVERTISEMENT
મનોજ સાનેએ પોલીસને કહ્યું હતું કે તેને એક દુર્લભ બીમારી છે. એથી પોલીસે આ વાતની પુષ્ટિ કરવા માટે મનોજ સાનેની વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવી હતી. આ ટેસ્ટનો રિપોર્ટ આવતાં સ્પષ્ટ થયું છે કે મનોજ સાનેને દુર્લભ બીમારી છે.